લાડકી બહેન યોજના અંગે રાજ્ય સરકારને મનસેએ કરી મોટી માગણી
મુંબઈઃ બજેટ દરમિયાન કરવામાં આવેલી લોકકલ્યાણની યોજનાઓમાંથી સૌથી વધુ ચર્ચા મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજનાની થઇ રહી છે, જે અંતર્ગત અઢી લાખથી ઓછી કૌટુંબિક આવક ધરાવતી 21 વર્ષથી 65 વર્ષ સુધીની મહિલાઓને દર મહિને સરકાર તરફથી 1,500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. જોકે, આ યોજનાનો લાભ ચોક્કસ મુસ્લિમ મહિલાઓને ન આપવામાં આવે તેવી માગણી રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો: લાડકી બહેન યોજના: આવકનું પ્રમાણપત્ર આપવા મહિલાઓ પાસેથી નાણાં વસૂલનારો તલાટી સસ્પેન્ડ
સરકાર દ્વારા આ યોજના શરૂ કરી દેવામાં આવી છે અને પાત્ર મહિલાઓ દ્વારા યોજનાનો લાભ ખાટવા માટે અરજી ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઇ ગઇ છે. જોકે મનસે દ્વારા માગણી કરવામાં આવે છે કે જે મુસ્લિમ વ્યક્તિના ઘરમાં એક કરતાં વધુ પત્ની હોય તે મહિલાઓને આ યોજનાનો લાભ ન આપવામાં આવે. એટલે કે બે કે તેથી વધુ પત્ની ધરાવતા મુસ્લિમ વ્યક્તિ હોય તેવા કુટુંબની મહિલાને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવે, તેવી માગણી મનસે દ્વારા કરવામાં આવી છે.
મનસેના નેતા પ્રકાશ મહાજને આ માગણી કરતા જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજમાં પુરુષને બે પત્ની છે અથવા તો જે મહિલાને બે કરતાં વધુ સંતાન હોય, તેવી મહિલાઓને આ યોજનાનો લાભ આપવામાં ન આવે.
આ દેશમાં લોકસંખ્યાનો વિસ્ફોટ થઇ રહ્યો છે અને લોકસંખ્યાનું ભારણ જે લોકો બે કરતાં વધુ સંતાન નથી કરતા તે લોકો પર પડે છે. તેમના પાસેથી વસૂલવામાં આવતા કરના પૈસાનો ખર્ચ બીજી બાજુ થઇ રહ્યો છે. એટલે જો આ પ્રકારની મહિલાઓને યોજનાનો લાભ આપવામાં આવે
આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકારે લાડકી બહેન યોજના માટે વય મર્યાદા વધારીને 65 વર્ષ કરી
તો ખરેખર જે લોકોને ગરજ છે અને જે મહિલાઓ ખરેખર જરૂરિયાતમંદ છે તે પાછળ રહી જાય છે.
પ્રકાશ મહાજને આ દરમિયાન રાહુલ ગાંધીની પણ ટીકા કરી હતી અને કહ્યું હતું કે રાહુલ ગાંધી હવે વિરોધ પક્ષના નેતા બની ગયા છે અને તેથી તે સતત બોલી શકે છે. મૂળ તો તેમનો અને હિંદુ ધર્મનો કોઇ સંબંધ નથી. જે લોકો હિંદુ માતા-પિતાના પેટે જન્મેલા હોય છે તે જ ખરા હિંદુ હોય છે.
માત્ર હિંદુ મહિલાઓને જ લાડકી બહેન યોજનાનો લાભ આપો. ક્યાં સુધી મુર્ખા બનવાનું. એ લોકો વોટ તો વિરોધીઓને જ આપે છે.