Election Result: ૧૨૮ ઉમેદવાર ઊભા રાખનારી મનસેએ ખાતું પણ ન ખોલાવ્યું…

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બે સૌથી મોટા આંચકા જોવા મળ્યા હતા. એક તો મહાવિકાસ આઘાડી (એમવીએ)એ ખમવી પડેલી કારમી હાર અને બીજો, મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના) ખાતું પણ ખોલાવી શકી નહોતી.
રાજ્યમાં ૧૨૮ ઉમેદવારને ઉમેદવારી આપવામાં આવી હતી, પણ મનસેનો એક પણ ઉમેદવાર જીત્યો નહોતો. મહારાષ્ટ્રની સત્તા મારા હાથમાં સોંપી દો, એવી અપીલ રાજ ઠાકરેએ કરી હતી, પણ જનતાએ તેમની વાતને સ્વીકારી નહોતી.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં સુશાસનની જીત અને વિભાજનકારી તાકાતોની હાર થઈઃ પીએમ મોદી…
મનસે અધ્યક્ષ રાજ ઠાકરે વિધાનસભા ચૂંટણીમાં ૧૨૮ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા. તેમનો એક પણ ઉમેદવાર જીતી શક્યો નહોતો. તેમનો દીકરો અમિત ઠાકરેનો પણ પરાજય થયો હતો. રાજ ઠાકરેએ વિધાનસભાની ચૂંટણી પહેલાં અનેક આક્ષેપો કર્યા હતા.
આટલું જ નહીં વિધાનસભાના પ્રચારમાં રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને ગદ્દાર પણ કહ્યા હતા. માત્ર એમવીએ જ નહીં, પણ મહાયુતિની પણ જોરદાર ટીકા કરી હતી. પરિસ્થિતિ કોઇ પણ હોય મનસે જ સત્તા પર આવવી જોઇએ, એવું નિવેદન પણ તેમણે કર્યું હતું.
માહિમ બેઠક પર પોતાના દીકરાને ચૂંટણીમાં પહેલી વાર ઉમેદવારી આપવામાં આવી હતી અને ભાજપે પણ તેમને ટેકો જાહેર કરતાં એવું જણાતું હતું કે અમિત ઠાકરેનો વિજય નિશ્ચિત છે. જોકે મહેશ સાવંત (યુબીટી)નો વિજય થયો હતો.
આ પણ વાંચો : ‘મહાયુતિ’ની જીતથી ધારાવી પ્રોજેક્ટને મળશે ગતિ
બીજી બાજુ બાળા નાંદગાંવકર શિવડી વિધાનસભા મતદારસંઘમાંથી ચૂંટણી લડ્યા હતા. તેમના માટે રાજ ઠાકરેએ સભા પણ બોલાવી હતી. જોકે બાળા નાંદગાંવકરનો પણ પરાજય થયો હતો.