મેટ્રો ડેપો માટે થાણેના મોઘરપાડામાં જમીનનું સંપાદન એક ડેપો, ચાર મેટ્રો લાઈન માટે ૧૭૪ હેકટરના પ્લોટમાં ઊભો કરાશે મેટ્રો ડેપો...

મેટ્રો ડેપો માટે થાણેના મોઘરપાડામાં જમીનનું સંપાદન એક ડેપો, ચાર મેટ્રો લાઈન માટે ૧૭૪ હેકટરના પ્લોટમાં ઊભો કરાશે મેટ્રો ડેપો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા થાણે જિલ્લાના મોઘરપાડામાં ૧૭૪.૦૧ હેકટર જમીનનું સંપાદન કરવામાં આવ્યું છે. આ પ્લોટ પર વૈશ્વિક સ્તરનો વિશાળ કારશેડ ઊભો કરવામાં આવશે અને અહીં એકી સાથે મેટ્રો-ફોર, મેટ્રો ફોર-એ, મેટ્રો-૧૦ અને મેટ્રો-૧૧ આ ચાર મેટ્રો લાઈનનું સંચાલન અને દેખરેખ કરવામાં આવશે.

આ ડેપોમાંથી સીએસએમટીથી મીરા રોડ દરમ્યાન કુલ ૫૫.૯૯ કિલોમીટરના મેટ્રો રૂટનું સંચાલન થશે, જેમાં મુખ્યત્વે મુંબઈના પૂર્વ ઉપનગર અને થાણે પરિસરના વિકાસમાં મહત્ત્વનો ભાગ બની રહેનારી મેટ્રો-ફોર અને ફોર-એ ટ્રેન ચાલુ થયા બાદ હાલના પ્રવાસના સમયમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો થશે. દરરોજ લગભગ ૧૨ લાખ પ્રવાસીઓ મેટ્રોથી પ્રવાસ કરશે. અત્યાર સુધી દુર્લક્ષ રહેલા વિસ્તારોને મેટ્રોની ક્નેક્ટિવિટી મળશે. ટ્રાફિકની સમસ્યામાં રાહત મળવાની સાથે જ પ્રદૂષણમાં ઘટાડો થશે.

આ ચારેય મેટ્રો લાઈન માટે થાણે જિલ્લામાં મોઘરપાડામાં આવેલી આ જમીન મહારાષ્ટ્ર સરકારે ૧૬ ઑક્ટોબર, ૨૦૨૬માં લીધેલા નિર્ણય મુજબ એમએમઆરડીએને હસ્તાંતરણ કરવામાં આવી છે. આ ચારેય મેટ્રો રૂટ માટે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ રિપોર્ટ(ડીપીઆર) દિલ્લી મેટ્રો રેલ કૉર્પોરેશને તૈયાર કર્યો હતો. મોઘરપાડા બનાવવામાં આવનારા કારડેપોમાંથી આ રૂટની મેટ્રોનું સંચાલન થશે.

મોઘરપાડામાં કારડેપોમાં રાતના મેટ્રો સર્વિસ બંધ થાય બાદ ગાડીઓ ઊભી કરવામાં આવશે. તમામ મેટ્રો ટ્રેનના સમારકામ અને નિયમિત દેખરેખ અહીં થશે. અહીં મેટ્રો રેક માટે ૧૦ વર્કશોપ ટ્રૅક હશે. દૈનિક અને નિયમિત તપાસ માટે ૧૦ ઓબ્ઝરર્વેશન ટ્રૅક હશે. રાતના ગાડીઓ ઊભી કરવા માટે ૬૪ સ્ટેબલિંગ ટ્રૅક હશે. ગાડીઓની નિયમિત સફાઈ કરવા માટે ઓટો અને ઉચ્ચ ક્ષમતાની વૉશિંગ સિસ્ટમ હશે. રૅક પર રહેલી ધૂળ કાઢવા માટે અહીં બ્લો-ડાઉન પ્લાન્ટ હશે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button