આમચી મુંબઈ

મુંબઈમાં ટ્રાફિકની તાણ ઓછી કરવા કોસ્ટલ, મેટ્રો, બુલેટ બાદ હવે ટનલ રોડ બનશે…

‘મુંબઈ ઈન્ટિગ્રેટેડ ટનલ રોડ નેટવર્ક’ માટે એમએમઆરડીની ડીપીઆર પ્રક્રિયા શરૂ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈમાં રોડ, મેટ્રો, કોસ્ટલ રોડ અને બુલેટ ટ્રેન બાદ ટ્રાફિકની તાણ ઓછી કરવા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડી)એ હવે સમગ્ર મુંબઈને એકસાથે જોડનારી ટનલ રોડ નેટવર્ક ઊભું કરવાની યોજના બનાવી છે. એમએમઆરડીએ પ્રસ્તાવિત ‘મુંબઈ ઈન્ટિગ્રેટેડ ટનલ રોડ નેટવર્ક’ માટે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ રોડ નેટવર્ક ઝડપી ગતિએ વિસ્તારિત થઈ રહેલા રોડ અને મેટ્રો રેલવે નેટવર્ક સાથે મુંબઈગરા માટે પ્રવાસનો ત્રઈજો માધ્યમ બની રહેશે.

આ ઉપક્રમ અંતર્ગત મુંબઈ કોસ્ટલ રોડ, બાન્દ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સ (બીકેસી)માં આવેલી હાઈ-સ્પીડ રેલવે (બુલેટ ટ્રેન) સ્ટેશન અને છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ (ટી-ટુ)ને જોડનારો અંડરગ્રાઉન્ડ મોબિલિટી કોરિડોર ઊભો કરવાની યોજના છે તેથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને એસવીરોડ પરની ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે. પ્રોજેક્ટ શરૂ થયા બાદ ભારે વાહનોને અંડર ગ્રાઉન્ડ ટનલના રસ્તા પર વાળવામાં આવશે અને શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે.

લગભગ ૭૦ કિલોમીટર લંબાઈનો આ પ્રોજેક્ટ ત્રણ તબક્કામાં અમલમાં મૂકવામાં આવવાનો છે. આ માધ્યમથી રોડ અને મેટ્રોને પૂરક એકત્રિત ટ્રાફિક નેટવર્ક તૈયાર થશે, જેથી પ્રવાસીઓનો પ્રવાસનો સમયગાળો ઓછો થશે. પ્રદૂષણમા ઘટાડો થશે અને કાર્યક્ષમતામાં વધારો થશે.

મુંબઈમાં ઓછી જગ્યા સામે બાંધકામ વધુ અને મર્યાદિત જગ્યાને ધ્યાનમાં રાખીને ટનલ રોડની ક્ષમતા વધારવા માટે સૌથી વધુ વ્યવહારિક પર્યાય બની રહેશે. પ્રોજેક્ટની અમલબજવણી ટ્રાફિકની આવશ્યકતા અનુસાર અને ભવિષ્યની માગણીને ધ્યાનમાં રાખીને તબક્કાવાર કરવામાં આવશે.

એમએમઆરડીએ દ્વારા ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ પહેલા તબક્કા માટે ટેક્નો-ઈકોનોમિક ફિઝિબિલિટી સ્ટડી અને ડીપીઆર તૈયાર કરવા માટે ક્ધસલ્ટન્ટ નીમવાની મંજૂરી આપી છે. તે માટે ટેન્ડર સૂચના ૧૦ ઑક્ટોબર, ૨૦૨૫ રોજ જાહેર થઈ હતી અને ૧૭ ઑક્ટોબર, ૨૦૨૫ રોજ પ્રી-બિડ મીટિંગ લેવામાં આવી હતી. ૧૭ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ટેન્ડર ખોલવામાં આવવાના છે.

ત્રણ તબક્કામાં અંડરગ્રાઉન્ડ ટનલ બનશે

પહેલા તબક્કામાં વરલી સી લિંક-બીકેસી-ઍરપોર્ટ લૂપ (લગભગ ૧૬ કિલોમીટર)
મુંબઈ કોસ્ટર રોડને બીકેસી અને ઍરપોર્ટ સાથે જોડનારો રોડ તેમ જ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલવે કોરિડોર સાથે એક થનારો ભાગ. આ તબક્કામાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને એસવી રોડ પરનો ટ્રાફિક ઓછો કરવામાં મદદરૂપ થશે.

બીજા તબક્કામાં -પૂર્વ-પશ્ર્ચિમને જોડશે (લગભગ ૧૦ કિલોમીટર) ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને જોડીને ક્રોસ શહેર પ્રવાસનો સમયગાળો મોટા પ્રમાણમાં ઘટાડવામાં આવશે.

ત્રીજા તબક્કામાં ઉત્તર-દક્ષિણને જોડવામાં આવશે(લગભગ ૪૪ કિલોમીટર)
આખા મુંબઈમાં અખંડ અંડરગ્રાઉન્ડ ટનલ રોડ તૈયાર કરીને પ્રવાસી અને માલવાહતુક માટે નવુંજોડાણ ઊભું કરાશે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button