Good News: ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇ-વેને ‘ડબલ ડેકર’ બનાવવાના કામના શ્રીગણેશ…
છેડાનગરથી થાણે વચ્ચે બનાવવામાં આવશે એલિવેટેડ રોડ બનાવતા ટ્રાફિકમાંથી મળશે મુક્તિ

મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેને ડબલ ડેકર હાઇવે બનાવવાનું કામ શરૂ કર્યું છે જેના હેઠળ ઘાટકોપરના છેડાનગરથી થાણે વચ્ચે એલિવેટેડ રોડ બનાવવામાં આવી રહ્યો છે. એલિવેટેડ રોડના પિલર તૈયાર કરવા માટે ઇસ્ટર્ન એક્સપ્રેસ પર બેરિકેડ્સ લગાવવાનું અને ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ૧૨.૯૫૫ કિલોમીટર લાંબો એલિવેટેડ રોડ હાલમાં ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેની ઉપર હશે. ત્રણ-ત્રણ લેનનો એલિવેટેડ રોડ ૪૦ મીટર પહોળો હશે.
ઘાટકોપર છેડાનગરથી થાણેના આનંદ નગર સુધીના આ એલિવેટેડ રોડ પાછળ ૨,૬૮૨ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ પ્રકલ્પ પૂર્ણ થયા બાદ ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેથી પ્રવાસ કરનારા લોકો માટે વધુ એક માર્ગ ઉપલબ્ધ થશે. તેનાથી ટ્રાફિકની સમસ્યા દૂર થશે.
એલિવેટેડ રોડ સિગ્નલ ફ્રી હશે
આ એલિવેટેડ રોડ સિગ્નલ ફ્રી હશે જેથી મુંબઈથી થાણેનો પ્રવાસ ફક્ત ૩૦થી ૩૫ મિનિટમાં કરી શકાશે. વાહનોને સિગ્નલ ફ્રી માર્ગ ઉપલબ્ધ કરાવવા માટે એલિવેટેડ રોડને ઇસ્ટર્ન ફ્રી-વેથી કનેક્ટ કરવામાં આવશે. દક્ષિણ મુંબઈથી આવતા વાહનો ટ્રાફિકમાં ફસાય નહીં તે માટે સીએસએમટીથી ઓરેન્જ ગેટ નજીકથી માનખુર્દ સુધી ૧૬.૮ કિ.મી. લાંબો ઇસ્ટર્ન ફ્રી-વે બનાવવામાં આવ્યો છે.
ઈસ્ટર્ન એક્સપ્રેસ સૌથી વધુ ટ્રાફિક ધરાવતો હાઈવે
૨૦૧૪થી વાહનો ફ્રી-વેનો ઉપયોગ કરી રહ્યા છે અને કોઇ પણ ટ્રાફિક વગર દક્ષિણ મુંબઈથી માનખુર્દ સુધી સરળતાથી પહોંચી રહ્યા છે. એવામાં આ એલિવેટેડ રોડ બનવાથી વાહનો સીએસએમટીથી કોઇ પણ અડચણ વગર સીધા થાણે પહોંચી શકશે. ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે મુંબઈના સૌથી વધુ ટ્રાફિક ધરાવતા માર્ગોમાંથી એક છે જ્યાંથી ભિવંડી, નાશિક અને ગુજરાત તરફ જનારા વાહનો આ માર્ગે જ પસાર થતા હોય છે.
બહુ ઓછા સમયમાં જમીન ખાલી કરાવી
આ પ્રકલ્પ માટે બહુ ઓછા સમયમાં જમીન ખાલી કરાવવામાં આવી હતી. અન્ય પ્રકલ્પો માટે જમીન સંપાદનની પ્રક્રિયામાં બહુ સમય લાગતો હોય છે, પરંતુ આ પ્રોજેક્ટ માટે એસઆરએએ એક વર્ષમાં સર્વે પૂર્ણ કરીને ઝૂંપડાઓ દૂર કરવાનું કામ શરૂ કરી દીધું હતું. મુંબઈથી થાણે એલિવેટેડ રોડ તૈયાર કરવાના માર્ગમાં મોટી સમસ્યા રમાબાિ આંબેડકરના ૧,૬૯૪ ઝૂંપડા હતા. આ સમસ્યા દૂર કરવા માટે સરકારે રમાબાઇ આંબેડકર નગરનો રિડેવલપમેન્ટ કરવાનો નિર્ણય લીધો છે.
આપણ વાંચો : Good News: MSRTC મહિનામાં બસ-ટ્રેકિંગ એપ્લિકેશન લોન્ચ કરશે