Top Newsઆમચી મુંબઈ

આખરે અટલ બ્રિજના રસ્તા પર રિસર્ફેસિંગનું કામ શરૂ આઈઆઈટીના નિષ્ણાતોની દેખરેખ હેઠળ કામ થશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: વાહનવ્યહાર માટે ખુલ્લો મૂકાવાના માત્ર ૧૮ મહિનામાં જ રસ્તાની હાલત ખખડી જતા ટીકાનો ભોગ બનેલી મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) એ અટલ સેતુ પરના રસ્તાનું રિસર્ફેસિંગનું કામ હાથ ધર્યું છે. તબક્કાવાર કરવામાં આવનારા બ્રિજના સમારકામને પગલે જોકે વાહનચાલકોને અગવડ થઈ શકે છે.

દરિયા પર બાંધવામાં આવેલા દેશના સૌથી લાંબા ગણાતા અટલ સેતુનું લોકાપર્ણ થવાના માત્ર દોઢ વર્ષંમાં જ બ્રિજના રસ્તા ખાડા પડવાની સાથે જ ઉપરના ભાગમાં રહેલો ડામર ઉખડી ગયો હતો. અત્યાધુનિક આંતરરાષ્ટ્રી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બ્રિજ બાંધ્યો હોવાનો દાવો પોકળ સાબિત થતા એમએમઆરડીએને ભારે ટીકાનો સામનો કરવો પડયો હતો. એ બાદ તેણે કૉન્ટ્રેક્ટર સામે દંડાત્મક પગલાં પણ લીધા હતા અને લાઈબિલિટી પિરીયડ હોવાથી બ્રિજના રસ્તાનું રિસર્ફેસિંગનું કામ કૉન્ટ્રેક્ટર મારફત ફરી કરાવવામાં આવી રહ્યું છે.

બ્રિજ પર રિસર્ફેસિંગનું કામ તબક્કાવાર કરવામાં આવવાનું છે. તે મુજબ હાલ નવી મુંબઈની દિશામાં જતા રસ્તા પર ૧૦.૪ કિલોમીટર લંબાઈના ભાગનું રિસર્ફેસિંગ કરવામાં આવશે અને ત્યારબાદ બાકીના રસ્તાનું કરવામાં આવશે. આ દરમ્યાન અટલ સેતુ પર અમુક જગ્યાએ રસ્તો બંધ કરવામાં આવવાનો હોવાથી વાહનચાલકોને હેરાનગતીનો સામનો કરવો પડશે.

મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે બાંધવામાં આવેલા ૨૧.૮ કિલોમીટરના બ્રિજને કારણે આ બંને શહેર વચ્ચેનું અંતર માત્ર ૧૨ મિનિટમાં પાર કરી શકાય છે. એમએમઆરડીએ દ્વારા બાંધવામાં આવેલા અટલસેતુનું લોકાર્પણ જાન્યુઆરી ૨૦૨૪માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે કરવામાં આવ્યું હતું. જોકે માત્ર ૧૮ મહિનામાં જ બ્રિજ પર મોટા મોટા ખાડા અને તિરાડો પડી જતા કામની ગુણવત્તા સામે સવાલ ઊભા થયા હતા. એ બાત એમએમઆરડીએ દ્વારા તાત્પૂરતા સમય માટે ખાડા પૂરી દેવામાં આવ્યા હતા.

ચોમાસું પૂરું થયા બાદ હવે એમએમઆરડીએ દ્વારા રસ્તાનું રિસર્ફેસિંગનું કામ કૉન્ટ્રેક્ટરને આપવામાં આવ્યું છે. કામની ગુણવત્તા જળવાઈ રહે તે માટે આઈઆઈટી બોમ્બેના નિષ્ણાતોની દેખરેખ હેઠળ આ સમારકામ કરવામાં આવવાનું હોવાનો દાવો એમએમઆરડીએ દ્વારા કરવામાં આવ્યો છે આ દરમ્યાન રસ્તાની હાલતને જોતા કૉન્ટ્રેક્ટર દેવૂ-ટાટા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટને એક કરોડ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. તેમ જ તેનો લાઈબિલિટી પિરીયડણ એક વર્ષથી વધારી દેવામાં આવ્યો હતો.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button