MMRCL એ મેટ્રો-થ્રી માટે કમાણી કરવાનો માર્ગ કર્યો મોકળો, જાણી લો યોજના…
મુંબઈ: મુંબઈ રિજનમાં સસ્તા ભાડાંની લોકલ ટ્રેન અને બેસ્ટની કોમ્પિટિશનમાં મેટ્રો ટ્રેન દોડાવાય છે ત્યારે મોંઘી કિંમતની મેટ્રો માટેના હાથી જેવા ખર્ચાઓને પાર પાડવા માટે એમએમઆરસીએલ પ્રશાસન દ્વારા વધુ આવક પ્રાપ્ત કરવાનો માર્ગ મોકળો બનાવ્યો છે. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (MMRCL)એ મેટ્રો લાઈન-૩ના ૨૭ સ્ટેશન પર ૧.૩ લાખ ચોરસ ફૂટ રિટેલ કમર્શિયલ જગ્યા ભાડેથી આપી. આ જગ્યાઓ ઓપન ટેન્ડર પ્રક્રિયા દ્વારા ફૂડ એન્ડ બેવરેજ, રિટેલ, બેંકિંગ એટીએમ અને વેન્ડિંગ મશીન સહિત વિવિધ કમર્શિયલ સેગમેન્ટને ઓફર કરવામાં આવી છે.
ઉપલબ્ધ જગ્યાઓમાં ૪૦,૦૦૦ ચોરસ ફૂટથી લઈને લગભગ ૧૦૦ ચોરસ ફૂટના નાના ગાળાનો સમાવેશ થાય છે. કમર્શિયલ જગ્યાઓ મેટ્રો સ્ટેશનોના ઊંચા ફૂટફોલ પર સ્થિત છે, જે વિવિધ ક્ષેત્રોમાં અગ્રણી બિડર્સને આકર્ષે છે, જેમાં વિવિધ બ્રાન્ડ્સે બિડમાં ભાગ લીધો હતો.
મેટ્રો સ્ટેશનના પરિસરમાં જગ્યાની આકર્ષકતા, વિશાળ જગ્યાઓની વિશિષ્ટતા અને મેટ્રો લાઇન સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જાય પછી ઉચ્ચ અપેક્ષિત રાઇડર્સશિપને ધ્યાનમાં રાખીને સારો પ્રતિસાદ મળ્યો છે.
આ પણ વાંચો : Mumbai Airport પરથી 2024માં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓએ કરી મુસાફરી, જાણો આંકડા?
આ આવકમાંથી મેટ્રો વાર્ષિક લીઝ ભાડા સહિત અન્ય (ઓએન્ડએમ) ખર્ચ તેમ જ JICA લોનની ચુકવણી થઈ શકશે. નોન-ફેર બોક્સ રેવન્યુ ટ્રાન્ઝેક્શન્સ ઓક્ટસ એડવાઇઝર્સ દ્વારા સુવિધા આપવામાં આવે છે.
પેસેન્જર ભાડાં સિવાયના સ્ત્રોતોમાંથી મહત્તમ આવક મેળવીને અમે ટિકિટ ભાડાને અંકુશમાં રાખી શકીએ છીએ, જેથી મેટ્રો લોકો માટે સસ્તી અને સુલભ રહે, એમ એમએમઆરસીએલનાં મેનેજિંગ ડિરેક્ટર, અશ્વિની ભીડેએ જણાવ્યું હતું.
મુંબઈમાં જાહેર પરિવહનને સુવ્યવસ્થિત બનાવવા અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે આ મહત્વપૂર્ણ છે. જેમ જેમ વધુને વધુ મુસાફરો મેટ્રોમાં મુસાફરી કરવાનું પસંદ કરશે, તેમ અમને શહેરની ભીડ ઓછી કરવામાં અને મુંબઈના જીવનધોરણ રેન્કિંગમાં સુધારો કરવામાં મદદ મળશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.