ભાજપ વિધાન સભ્ય જેલમાંથી સીધા મતદાન કરવા પહોંચતા બબાલ
મહારાષ્ટ્રમાં આજે વિધાન પરિષદની કેટલીક બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે. ભાજપના વિધાન સભ્ય ગણપત ગાયકવાડ પણ મતદાન કરવા માટે વિધાન ભવન પહોંચતા બબાલ થયો હતો.
લોકસભા ચૂંટણી બાદ મહારાષ્ટ્રમાં NDA ગઠબંધન અને I.N.D.I.A બ્લોક વચ્ચે આજે વધુ એક મોટું રાજકીય યુદ્ધ શરૂ થઈ ગયું છે. રાજ્યમાં વિધાન પરિષદની 11 બેઠકો માટે ચૂંટણી ચાલી રહી છે. આ ચૂંટણીની ખાસ વાત એ છે કે 11 બેઠકો માટે 12 ઉમેદવારો મેદાનમાં છે. આજે સવારના ચાર વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે જે સાંજે ચાર વાગ્યા સુધી ચાલશે. ભાજપના વિધાન સભ્ય ગણપત ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફાયરિંગ કરવા સંબંધે ન્યાયિક કસ્ટડીમાં છે. તેમ છતાં તેઓ મતદાન કરવા આવ્યા હતા, જેનો I.N.D.I.A ગઠબંધને ભારે વિરોધ કર્યો હતો.
ગણપત ગાયકવાડે પોતાનો મત આપવા માટે ચૂંટણી પંચને અરજી કરી હતી. તેઓ હજી ચૂંટણી પંચના નિર્ણયની રાહ જોઇ રહ્યા છે. બધાની નજર કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્ણય પર ટકેલી છે. ચૂંટણી પંચ તરફથી પોઝિટિવ જવાબ મળશે તો ગણપત ગાયકવાડ મતદાન કરી શકશે. કૉંગ્રેસે આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. હાલમાં ગણપત ગાયકવાડ મતદાન મથકની બહાર ચૂંટણી પંચના નિર્ણયની રાહ જોઇ રહ્યા છે.
વિધાન પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવેએ આને સત્તાનો દુરુપયોગ ગણાવતા કહ્યું હતું કે જેલમાં હોવાથી અનિલ દેશમુખને મતદાન કરવા દેવામાં આવ્યું ન હતું. જ્યારે આખી દુનિયાએ ગણપત ગાયકવાડને બંદૂકથી ફાયરિંગ કરતા જોયા છે, એવા સમયે જો તેમને મતદાન કરવા દેવામાં આવે તો તે સત્તાનો દુરૂપયોગ છે. ચૂંટણી પંચ ભાજપના દબાણમાં કામ કરી રહ્યું છે.
આ મામલે અનિલ દેશમુખે પણ વાંધો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે મને ખોટી રીતે જેલમાં નાખી દીધો હતો અને કોર્ટે મને મતદાન કરવાની પરવાનગી નહોતી આપી. હવે ગણપત ગાયકવાડને પણ મતદાન કરવાની પરવાનગી ના મળવી જોઇએ.