MLC Election: ચૂંટણીના 9 દિવસ બાકી છે અને બે ઉમેદવારની નોંધણી રદ

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી (Maharashtra’s MLC Election)ને લગભગ નવ દિવસ બાકી છે અને બધા જ પક્ષ ચૂંટણીમાં પોતાના ઉમેદવારને જીતાડવા માટે તૈયારી કરી રહ્યા છે ત્યારે બે ઉમેદવારોની ઉમેદવાર તરીકેની નોંધણી રદ કરી દેવામાં આવી હોવાના અહેવાલ છે.
વિધાન પરિષદની ચૂંટણી માટે નોંધણી કરાવનાર ઉમેદવારના પત્રની ચકાસણી દરમિયાન બે ઉમેદવારો અપાત્ર ઠરતા તેમની ઉમેદવારી રદ કરવામાં આવી હતી. જોકે, આ બંને ઉમેદવારો અપક્ષ હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી: ઉદ્ધવના સહયોગી મિલિંદ નાર્વેકર 12મા ઉમેદવાર
ચકાસણી દરમિયાન અજય મોતિસિંહ સેંગર અને અરુણ રોહિદાસ જગતાપ આ બંને અપક્ષ ઉમેદવારોની નોંધણી રદ કરવાંમાં આવી હતી. બે ઉમેદવારોની નોંધણી રદ થતા હવે વિધાન પરિષદની ચૂંટણીમાં કુલ 12 ઉમેદવાર બાકી રહ્યા છે, જે 12 જુલાઇના રોજ ચૂંટણી લડશે.
જોકે, પાંચમી જુલાઇ ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ હોઇ જો કોઇ ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી ખેંચે તો ઉમેદવારોની સંખ્યા 12થી પણ ઓછી થશે.
ઉલ્લેખનીય છે કે સત્તાધારી પક્ષ એટલે કે મહાયુતિ દ્વારા વિધાન પરિષદમાં 9 ઉમેદવાર ઊભા કરવામાં આવ્યા છે જ્યારે વિપક્ષ એટલે કે મહાવિકાસ આઘાડી (MVA)એ ત્રણ ઉમેદવારને વિધાન પરિષદની ચૂંટણી (MLC Election) માટે ઊભા રાખ્યા છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં મંત્રીએ સત્ર છોડ્યા પછી વિપક્ષે વાંધો ઉઠાવ્યો
ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના દ્વારા ઉદ્ધવ ઠાકરેના નજીકના મનાતા મીલિંદ નાર્વેકરને, કોંગ્રેસ દ્વારા પ્રદ્યાણ સાતવને ઉમેદવારી સોંપવામાં આવી છે. જ્યારે શરદ પવાર જૂથની એનસીપી કિસાન પીઝન્ટ્સ એન્ડ વર્કર્સ પાર્ટીના હાલના વિધાન પરિષદના સભ્ય તેમ જ આ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહેનારા જયંત પાટીલને સમર્થન આપી રહી છે.
જ્યારે ભાજપ દ્વારા પંકજા મુંડે, સદાભાઉ ખોટે, અમિત ગોરખે અને યોગેશ તિલેકરને નવા ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જ્યારે હાલ વિધાન પરિષદના સભ્ય તરીકે કાર્યરત પરિણય ફુકેને પણ ભાજપે ફરી ઉમેદવારી સોંપી છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીઃ મનસેએ ફિલ્મમેકરને આપી ઉમેદવારી
એકનાથ શિંદેની શિવસેના દ્વારા ભૂતપૂર્વ સાંસદ કૃપાલ તુમાને અને ભાવના ગવળીને ઉમેદવારી અપાઇ છે. બીજી બાજુ મહાયુતિના ઘટક પક્ષ અજિત પવારની એનસીપી દ્વારા રાજેશ વિટેકર અને શિવાજીરાવ ગર્જેને ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઊભા રખાયા છે. એટલે કે કુલ 11 બેઠકો માટે 12 ઉમેદવારો વિધાન પરિષદની ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.