Maharashtraમાં વિધાનસભ્યના ભત્રીજાની કારે બે બાઈકને મારી ટક્કર, એકનું મોત
પુણેઃ પોર્શ કાર દ્વારા થયેલા પુણેમાં કરવામાં આવેલા અકસ્માતમાં બે જણ માર્યા ગયા તે ઘટના હજી તાજી જ છે ત્યારે અહીં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક યુવકનું મૃત્યુ થયું હતું અને બીજી એક વ્યક્તિ ગંભીર રીતે જખમી છે અને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે. તેમાં પણ આ અકસ્માત અજિત પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-NCP)ના વિધાનસભ્યના ભત્રીજા દ્વારા થયો હોવાથી પોર્શ કાંડ બાદ વધુ એક હાઇ પ્રોફાઇલ કેસ તરીકે જોવામાં આવી રહ્યો છે.
અજિત પવાર જૂથના વિધાનસભ્ય દિલીપ મોહિતે પાટીલના ભત્રીજાની કાર દ્વારા થયેલા અકસ્માતમાં ઓમ સુનીલ ભાલેરાવ નામના યુવકનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એક જણને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. આ મામલે પુણેની મંચર પોલીસે કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ અકસ્માતના સંબંધમાં વિધાનસભ્યના ભત્રીજાની ધરપકડ કરી છે. દિલીપ મોહિતી પાટીલે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તેમનો ભત્રીજો મયૂર પાટીલ અકસ્માત બાદ ઘટનાથી ભાગી છૂટ્યો નહોતો અને ત્યાં જ ઊભો રહ્યો હતો. ઘટના વખતે તેમના ભત્રીજાએ કોઇપણ પ્રકારનો નશો ન કર્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો : NEET પેપર લીકના તાર Maharashtra સુધી પહોંચ્યા, લાતુરથી બે શિક્ષકની ધરપકડ
જોકે સ્થાનિક લોકોએ જણાવ્યા અનુસાર જ્યારે મયૂર પાટીલની કારે બે બાઇકને ટક્કર મારી ત્યારે તે દારૂના નશામાં હતો. હવે બધાની નજર મયૂરના મેડિકલ રિપોર્ટ પર છે જેનાથી સ્પષ્ટ થશે કે તેણે ઘટના વખતે દારૂ પીધો હતો કે નહીં. સ્થાનિકોએ જણાવ્યા અનુસાર અકસ્માત બાદ મયૂર ગાડીમાં જ બેઠો રહ્યો હતો અને તેમાંથી બહાર આવ્યો નહોતો.
નાશિક-પુણે હાઇ-વે પરથી મયૂર પુણે તરફ આવી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. ફક્ત એટલું જ નહીં, તે રોંગ સાઇડ પર ગાડી ચલાવી રહ્યો હોવાનો દાવો પણ સ્થાનિકોએ કર્યો હતો. ઘટનાને નજરે જોનારા સાક્ષીઓનું કહેવું છે કે અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઇક અનેક ફૂટ દૂર જઇને ફેંકાઇ ગઇ હતી, જેમાં 19 વર્ષના ઓમ સુનીલ ભાલેરાવનું મૃત્યુ થયું હતું.