કોંગ્રેસના વિધાનસભ્ય પટોલે સ્પીકરના પોડિયમ પર ચઢી ગયા, વિધાનસભામાંથી એક દિવસ માટે સસ્પેન્ડ

મુંબઈ: કોંગ્રેસના વિધાનસભ્ય નાના પટોલેને મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભામાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, કારણ કે તેમણે ખેડૂતોનું અપમાન કરવાના આરોપમાં ભાજપના વિધાનસભ્ય બબનરાવ લોણીકર અને કૃષિ પ્રધાન માણિકરાવ કોકાટે સામે કાર્યવાહીની માગણી કરી હતી.
ભૂતપૂર્વ સ્પીકર પટોલે સામેની કાર્યવાહી બાદ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી સભ્યોએ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું અને આખા દિવસ માટે કાર્યવાહીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી.
બાદમાં, એક આક્રમક પટોલેએ પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ ખેડૂતો સંબંધિત મુદ્દાઓ ઉઠાવવામાં પીછેહઠ કરશે નહીં તેને માટે ભલે દરરોજ ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવે.
લોણીકરે તાજેતરમાં જાલના જિલ્લાના તેમના વિધાનસભા મતવિસ્તાર પરતુરમાં ખેડૂતોના એક મેળાવડામાં જણાવ્યું હતું કે, ‘જે લોકો તેમના પક્ષ અને સરકારની ટીકા કરે છે તેઓને ખબર હોવી જોઈએ કે તેઓને કપડાં, જૂતા, મોબાઇલ, યોજનાઓના નાણાકીય લાભો અને વાવણી માટે પૈસા અમારા કારણે મળી રહ્યા છે.’
આ પણ વાંચો: પીએમ મોદીના વિદેશ પ્રવાસ અંગે કોંગ્રેસ નારાજ: જયરામ રમેશે સોશિયલ મીડિયા પર કર્યા ગંભીર પ્રહારો
જ્યારે કોકાટેએ એવો દાવો કર્યો હતો કે ખેડૂતોએ લોન માફીના પૈસા લગ્નમાં ખર્ચ્યા છે. એક રૂપિયો એવી વસ્તુ છે જેને ભિખારીઓ પણ સ્વીકારતા નથી, પરંતુ સરકાર એટલી રકમમાં પાક વીમો આપી રહી છે, જેનો કેટલાક લોકો દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, એમ કૃષિ પ્રધાને કહ્યું હતું.
મંગળવારે પ્રશ્નકાળ પછી તરત જ, પટોલેએ ખેડૂતોનું ‘અપમાન’ કરવા બદલ લોણીકર અને કોકાટે સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
તેઓ પોડિયમ પર ધસી આવ્યા હતા અને સ્પીકર રાહુલ નાર્વેકર સાથે દલીલ કરતા જોવા મળ્યા હતા.
આ બધી ધમાલને કારણે ગૃહની કાર્યવાહી પાંચ મિનિટ માટે મુલતવી રાખવામાં આવી હતી.
જ્યારે ગૃહની કાર્યવાહી ફરી શરૂ થઈ, ત્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પટોલેની ટીકા કરતા કહ્યું કે કોંગ્રેસના નેતા સ્પીકર તરફ આક્રમક રીતે આગળ વધ્યા હતા, જે યોગ્ય નથી અને તેમની પાસેથી અપેક્ષા રાખવામાં આવતી નથી. તેમણે કહ્યું કે પટોલે માફી માંગવી જોઈએ.
જોકે, પટોલે ફરીથી સ્પીકરના પોડિયમ પર ચઢી ગયા અને લોણીકર અને કોકાટે સામે કાર્યવાહીની માગણી કરી હતી.
ત્યારબાદ સ્પીકરે જાહેરાત કરી કે તેઓ પટોલેને આખા દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરી રહ્યા છે.
પહેલી જુલાઈને ખેડૂત દિવસ તરીકે ઉજવતા પટોલેએ પાછળથી ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા અને ખેડૂતોની અવગણના અને અનાદર કરવાનો આરોપ લગાવ્યો.
‘હું દરરોજ ગૃહમાં ખેડૂતોના મુદ્દાઓ ઉઠાવતો રહીશ, ભલે મને દરરોજ સસ્પેન્ડ કરવામાં આવે,’ એમ ભૂતપૂર્વ પ્રદેશ કોંગ્રેસના વડાએ વિધાનસભા પરિસરમાં ગૃહની બહાર પત્રકારોને જણાવ્યું હતું.
કમોસમી વરસાદ, લોન માફી, પાક વીમો અને ખેડૂતોને બોનસ વાસ્તવિક ચિંતાઓ છે. સરકારે આ બધા વચનો આપ્યા હતા, પરંતુ પૂરા કર્યા નથી, એવો દાવો તેમણે કર્યો હતો.
‘જ્યાં સુધી ભાજપના વિધાનસભ્ય બબનરાવ લોણીકર અને કૃષિ પ્રધાન માણિકરાવ કોકાટે સામે ખેડૂતો વિશેની તેમની કથિત અપમાનજનક ટિપ્પણી બદલ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે અને જ્યાં સુધી મુખ્ય પ્રધાન ફડણવીસ ખેડૂતોની માફી નહીં માગે, ત્યાં સુધી અમે શાંતિથી બેસીશું નહીં,’ એમ પટોલેએ ભારપૂર્વક જણાવ્યું હતું.
ભાજપ સરકારે ખેડૂતો માટે બોનસની જાહેરાત કરી હતી, પરંતુ ક્યારેય તે ચૂકવ્યું નથી. તેમણે પાક વીમા યોજના પણ બંધ કરી દીધી છે. ખેડૂતોને ટેકો આપવાને બદલે, શાસક પક્ષના નેતાઓ તેમનું અપમાન કરી રહ્યા છે, એવો આરોપ પટોલેએ લગાવ્યો હતો.
‘લોણીકરે કહ્યું કે ‘ખેડૂતો આપણા પૈસા પર જીવે છે’, શું આ એ લોકોનું અપમાન નથી જે આપણને ખવડાવે છે?’ એવો સવાલ તેમણે કર્યો હતો.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર કોંગ્રેસના વડાએ કહ્યું કે ભાજપ કટોકટી પર ખોટો પ્રચાર ફેલાવી રહ્યું છે
‘મેં આ વિધાનસભાના સ્પીકર તરીકે સેવા આપી છે… હું નિયમો અને પ્રક્રિયાઓ સમજું છું. મને દેવેન્દ્ર ફડણવીસના પ્રમાણપત્રની જરૂર નથી કે હું અધ્યક્ષનો આદર કરું છું કે નહીં,’ એમ પટોલેએ કહ્યું હતું.
કોંગ્રેસ અને મહા વિકાસ આઘાડી (એમવીએ)ના અન્ય ઘટકોના સભ્યોએ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું, અને આખા દિવસ માટે કાર્યવાહીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી.
તેમણે આરોપ લગાવ્યો કે શાસક પક્ષ વિપક્ષને ખેડૂતોના મુદ્દાઓ પર બોલવા દેતો નથી અને જે લોકો આમ કરવાનો પ્રયાસ કરે છે તેમને સજા કરે છે.
એનસીપી (એસપી)ના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે પટોલેનો બચાવ કરતા એવો દાવો કર્યો કે કોંગ્રેસના નેતા સ્પીકરની ખુરશીની નજીક પણ નહોતા.
‘જેઓ હવે સત્તામાં છે તેઓ જ્યારે વિપક્ષમાં હતા ત્યારે ગૃહના મધ્યભાગે તોફાન કરતા હતા. મેં તેમને વિવિધ મુદ્દાઓ પર સ્પીકરને ઘેરી લેતા જોયા છે. આજે જ્યારે અમે સાચા મુદ્દાઓ ઉઠાવીએ છીએ, ત્યારે અમને સસ્પેન્ડ કરવામાં આવે છે,’ એમ તેમણે કહ્યું હતું.
કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે બાર જિલ્લાઓમાં પ્રસ્તાવિત નાગપુર-ગોવા શક્તિપીઠ એક્સપ્રેસવે સામે ચાલી રહેલા ખેડૂતોના વિરોધ તરફ ધ્યાન દોર્યું.
‘જ્યારે ખેડૂતો રસ્તા પર વિરોધ કરી રહ્યા છે, ત્યારે રાજ્યના કૃષિ પ્રધાન તેમના વિરુદ્ધ ટિપ્પણીઓ કરે છે અને ભાજપના વિધાનસભ્ય લોણીકર તેમનું અપમાન કરતી ભાષા વાપરે છે. સરકારનું મૌન આ નિવેદનોને સમર્થન આપે છે,’ એવો દાવો તેમણે કર્યો હતો.
‘ખેડૂતો માટે સંઘર્ષ ચાલુ રહેશે. ભલે તેઓ અમને જેલમાં મોકલે, અમે ખેડૂતો માટે લડવા તૈયાર છીએ,’ એમ વડેટ્ટીવારે ઉમેર્યું હતું.