થાણે બંધને મિશ્ર પ્રતિસાદ
થાણે: મરાઠા આરક્ષણની માગણી કરનારા આંદોલનકારીઓ પર જાલનામાં પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જનો નિષેધ કરવા સકલ મરાઠા મોરચા દ્વારા સોમવારે જાહેર કરાયેલા થાણે બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. સકલ મરાઠા મોરચા દ્વારા સોમવારે થાણે બંધની હાકલ કરવામાં આવી હતી. આ બંધને થાણેમાં મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. બંધ દરમિયાન થાણેની બજાર અને શહેરના અમુક વિસ્તારોમાં દુકાનો બંધ રાખવામાં આવી હતી. રિક્ષા પર બંધની કોઈ અસર થઈ નહોતી. રોજ પ્રમાણે જ મોટી સંખ્યામાં રિક્ષાઓ રસ્તા પર દોડી રહી હતી.
નોકરિયાતોને પણ બંધને કારણે કોઈ તકલીફ સહન કરવી પડી નહોતી, કારણ કે નોકરિયાતો માટે જરૂરી બધી વાહનવ્યવહારની સુવિધા ઉપલબ્ધ હતી. થાણેની બજારમાં દુકાનદારોએ સ્વેચ્છાએ બંધ પાળ્યો હતો. કોપરી અને વાગળે એસ્ટેટ પરિસરમાં બંધને સારો પ્રતિસાદ મળ્યો હતો. અમુક ઠેકાણે મરાઠા સમાજના નેતાઓ પણ બંધ પાળવાની અપીલ કરતા નજરે પડ્યા હતા, પરંતુ ક્યાંય બળજબરીથી દુકાનો, કારખાનાં કે ઑફિસો બંધ કરાવવામાં આવી નહોતી. બંધને પગલે પોલીસે રાતથી જ ઠેકઠેકાણે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. સદ્નસીબે દિવસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવની નોંધ થઈ નહોતી.