મીઠી નદીમાંથી ગાળ કાઢવાનું કૌભાંડ: આરોપીઓ સામે એમસીઓસીએ લગાવવાની માગ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મીઠી નદીનો ગાળ કાઢવાના કરોડો રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઑગનાઈસ્ડ ક્રાઈમ ઍક્ટ (એમસીઓસીએ) લગાવવાની માગણી ગુરુવારે વિધાનપરિષદમાં ભાજપ અને કૉંગ્રેસના સભ્યો કરી હતી.
મીઠી નદીનું ઉદ્ગમ સ્થાન વિહાર તળાવ છે. પૂર્વ ઉપનગરથી તે આગળપશ્ચિમ ઉપનગરમાં બાન્દ્રાથી માહિમમાં વહીને આગળ સીધી અરબી સમુદ્રમાં ભળે છે. ૨૦૦૫માં મુંબઈમાં અતિવૃષ્ટિ દરમ્યાન મીઠી નદીમાં આવેલા વિનાશકારી પૂર બાદ મીઠી નદીની સફાઈનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. વર્ષો સુધી મીઠીની સફાઈ પાછળ કરોડો રૂપિયા ખર્ચયા બાદ પણ તેમાંથી હજી સુધી કાંપ, કચરો કાઢી શકાયો નથી. મીઠી નદીની સફાઈમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોઈ પૂરા પ્રકરણની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે ગુરુવારે ભાજપના સભ્યએ વિધાનપરિષદમાં મીઠી નદીની સફાઈ પાછળ અત્યાર સુધી કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
આ પણ વાંચો: મીઠી નદીમાંથી ગાળ કાઢવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ: ફિલ્મ અભિનેતા ડિનો મોરિયાની ઇડીએ બીજી વાર પૂછપરછ કરી
વિધાનપરિષદમાં તેના પર ચાલી રહેલી ચર્ચા દરમ્યાન ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે નાયબ મુખ્ય પ્રધા અને અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટર એકનાથ શિંદે વતી કહ્યું હતું કે મીઠી નદીની સફાઈનું ટેન્ડર ૨૦૧૨માં બહાર પાડવામાં આવ્યું તે અગાઉ તેનો ગાળ દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ઠાલવવામાં આવતો હતો. ૨૦૧૩ બાદ તેનો ગાળ ઠાલવવાની જવાબદારી કૉન્ટ્રેક્ટરની હતી. મીઠી નદીમાંથી ૧૬,૭૦,૦૦૦ મેટ્રિક ટન ગાળ કાઢવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો પણ તે કયાં સ્થળે ઠાલવવામાં આવ્યો હતો તેની કોઈ માહિતી મળી નહોતી.
મીઠી નદી સફાઈના કૌભાંડ માટે મુંબઈ પોલીસની ઈકોનોકિસ ઓફેન્સ વિંગની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સિટ) પૂરા કેસની તપાસ કરી રહી છે. આ પ્રકરણમાં ધરપકડ કરવામાં આવેલા બે લોકો હાલ આગોતરા જામીન પર બહાર છે. આ કૌંભાડમાં સંકળાયેલા લોકોમાથી અમુક લોકો નાઈટ ક્લબ અને હોટલો ખોલી નાખી હોવાનું ઉદય સામંતે વિધાનપરિષદમાં કહ્યું હતું.
આ પણ વાંચો: મીઠી નદીની સફાઈ માત્ર ૫૬ ટકામીઠીની સફાઈ કરનારો કૉન્ટ્રેક્ટર ગાયબ હોવાથી કામ અટવાયું
વિધાનપરિષદમાં કૉંગ્રેસના સભ્યએ કરોડો રૂપિયાના મીઠી નદીની સફાઈના કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે એમસીઓસીએ લગાવવાની માગણી કરી હતી. અધિકારીઓ અને કૉન્ટ્રેક્ટરોની મિલીભગત હતી. નાણાકીય કૌભાંડ પણ એમસીઓસીએ હેઠળ આવે છે. ભાજપના સભ્યોએ પણ આરોપીઓ સામે એમસીઓસીએ લગાવવાની માગણીને સમર્થન આપ્યું હતું.