મીઠી નદીમાંથી ગાળ કાઢવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ: નકલી એમઓયુ બનાવવા બદલ કોન્ટ્રેક્ટરની ધરપકડ
મીઠી નદીમાંથી ગાળ કાઢવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ: નકલી એમઓયુ બનાવવા બદલ કોન્ટ્રેક્ટરની ધરપકડ બોગસ બિલ સામે પાલિકા પાસેથી 29.62 કરોડ મેળવ્યા

મુંબઈ: મીઠી નદીમાંથી ગાળ કાઢવાના 65.54 કરોડ રૂપિયાના કૌભાંડની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ બુધવારે પચાસ વર્ષના કોન્ટ્રેક્ટરની ધરપકડ કરી હતી, જેણે નકલી એમઓયુ (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) બનાવ્યા હતા અને બોગસ બિલ સામે પાલિકા પાસેથી 29.62 લાખ રૂપિયા મેળવ્યા હતા.
કોન્ટ્રેક્ટર શેરસિંહ રાઠોડ દ્વારા રજૂ કરાયેલા એક એમઓયુમાં મૃત વ્યક્તિના ‘હસ્તાક્ષર’ હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
શેરસિંહ રાઠોડની કથિત ગેરરીતિઓમાં ભૂમિકા સામે આવ્યા બાદ આર્થિક ગુના શાખાએ બોરીવલી ખાતેથી તેને ઝડપી પાડ્યો હતો. શેરસિંહ રાઠોડની ધરપકડ સાથે આ કેસમાં પકડાયેલા આરોપીની સંખ્યા હવે ત્રણ થઇ છે. આ કેસમાં અગાઉ બે વચેટિયા કેતન કદમ અરુણ કદમ અને જય અશોક જોશીની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: મીઠી નદીમાંથી ગાળ કાઢવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ…
પોલીસના જણાવ્યા મુજબ રાઠોડે મીઠી નદીમાંથી ગાળ કાઢવા માટે 2021-22માં પાલિકા પાસેથી કોન્ટ્રેક્ટ મેળવ્યો હતો. બાદમાં ગાળનો નિકાલ કરવા માટે તેણે જમીનમાલિકો સાથે સમજૂતી કરાર કર્યા હતા. જોકે એ દસ્તાવેજો બોગસ હોવાનું તપાસમાં જણાયું હતું. આટલું ઓછું હોય તેમ રાઠોડે મૃત વ્યક્તિને જમીનમાલિક દર્શાવવા બોગસ હસ્તાક્ષર પણ કર્યા હતા.
ઉપરાંત રાઠોડે મેટપ્રોપ કંપનીનાં સ્લિટ પુશર મશીન અને મલ્ટિપર્પઝ એમ્ફિબિયસ પોન્ટૂન મશીન લીઝ પર લેવા માટે વચેટિયા કેતન કદમ સાથે પણ સમજૂતી કરાર કર્યા હતા અને કોન્ટ્રેક્ટ મેળવવા માટે પાલિકાને એ દસ્તાવેજો સુપરત કર્યા હતા.
રાઠોડે મીઠી નદીમાંથી ગાળ કાઢીને તેનું વહન કરવા માટે વાહનોનો ઉપયોગ કરાયો એવું ખોટી રીતે દર્શાવવા માટે ડમ્પરોની યાદી પાલિકાને સુપરત કરી હતી. જોકે વાસ્તવમાં રાઠોડે વિવિધ સ્થળેથી કાટમાળ ભેગો કર્યો હતો અને તેનું પરિવહન કર્યું હતું. જેને બાદમાં મીઠી નદીમાંથી કાઢેલા ગાળ તરીકે બતાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: રાતના અંધારામાં મીઠી નદી પરિસરમાં કચરો ડમ્પ કરનારા સામે સુધરાઈની કાર્યવાહી…
આમ રાઠોડે ગાળ તો કાઢ્યો નહોતો, તેમ છતાં બોગસ બિલ રજૂ કર્યા હતા અને પાલિકા પાસેથી છેતરપિંડીથી 29.62 કરોડ રૂપિયા મેળવ્યા હતા.
નોંધનીય છે કે આર્થિક ગુના શાખાએ આ કૌભાંડ સંદર્ભે ફિલ્મ અભિનેતા ડિનો મોરિયા અને તેના ભાઇની અગાઉ પૂછપરછ કરી હતી.
મીઠી નદીમાંથી ગાળ કાઢવા માટે 2017-2023 સુધી જારી ટેન્ડરોમાં 65.54 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવા પ્રકરણે મુંબઈ પોલીસે મે મહિનામાં પાલિકાના અધિકારીઓ, કોન્ટ્રેક્ટરો સહિત 13 જણ સામે ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)