મીઠી નદી પર રૂ.૩૦૩ કરોડના ખર્ચે નવો બ્રિજ બંધાશે

મુંબઈ: મીઠી નદી પર જૂના પુલને તોડી પાડીને નવો પુલ બાંધવામાં આવવાનો છે. ધારાવીમાં ડ્રાઈવ ઈન થિયેટર પાસે મીઠી નદી પર બાંધવામાં આવનારા પુલના કામ માટે પાલિકાએ કૉન્ટ્રેક્ટરની નિમણૂક કરી છે. તે માટે ૩૦૩ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે. આ પુલને કારણે ટ્રાફિકની સમસ્યા રાહત મળી રહેશે એવો દાવો પાલિકા પ્રશાસને કર્યો છે.
મીઠી નદી પર આ પુલ બાંધવા માટે પાલિકાએ ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. ડૉ. ચિતળેની અધ્યક્ષતા હેઠળ જુલાઈ ૨૦૦૫માં થયેલી અતિવૃષ્ટિ બાદ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી.
આપણ વાંચો: રાતના અંધારામાં મીઠી નદી પરિસરમાં કચરો ડમ્પ કરનારા સામે સુધરાઈની કાર્યવાહી…
આ સમિતિએ મીઠી નદીના પટને ૬૮ મીટપથી ૧૦૦ મીટર સુધી વધારવાની ભલામણ કરી હતી. તે મુજબ સાયન, ધારાવી અને પશ્ર્ચિમ ઉપનગરમાં બાન્દ્રાને જોડનારા પુલનું પુન:બાંધકામ કરીને તેની પહોળાઈ વધારવામાં આવશે. આ કામ બે તબક્કામાં કરવાનું આયોજન છે.
બાન્દ્રા પૂર્વમાં ડ્રાઈવ ઈન થિયેટર પાસેથી મીઠી નદી પસાર થાય છે. સાયન, કુર્લા, બીકેસી, ધારાવી અને કલીના જવા માટે ધારાવીનો આ પુલ મહત્ત્વનો માનવામાં આવે છે. પુલની પહોળાઈ ઓછી હોવાથી તેના પર અનેક વખત પીક અવર્સમાં ટ્રાફિક થઈ જતો હોય છે.
ચોમાસામાં મીઠી નદીમાં પૂર આવે ત્યારે પુલની પહોળાઈ અને ઊંચાઈ ઓછી હોવાથી પાણી પુલને અડતા હોય છે. તેથી પુલની પહોળાઈ અને ઊંચાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આપણ વાંચો: મીઠી નદી પાસેના વિસ્તારોને પૂરથી બચાવવા ૨૮ ફ્લડગેટ્સ ઊભા કરાશે
હાલ ધારાવીના જૂના પુલની પહોળાઈ ૯.૩ મીટર છે. તે હવે ૪૮ મીટર સુધી વધારવામાં આવવાની છે. તો લંબાઈ ૧૦૮ મીટર છે, તેથી બીકેસી, સાયન જેવા ઠેકાણે જનારાં વાહનોનો પ્રવાસ સરળ અને ઝડપી બનશે.
પાલિકાએ કૉન્ટ્રેક્ટર નક્કી કર્યો હોઈ તે પાછળ ૩૦૩ કરોડ ૯૫ લાખ રૂપિયાનો ખર્ચ થવાનો છે. આ પુલ બે વર્ષમાં ઊભો કરવામાં આવવાનો છે. તો ત્રણ વર્ષ સુધી કંપની દ્વારા પુલની દેખરેખ રાખવામાં આવશે.
જૂનો પુલ તોડી પાડવાથી આ પરિસરમાં ટ્રાફિકને અસર થવાની શક્યતા છે. તેથી જૂના પુલની બાજુમાં દક્ષિણ દિશામાં વધુ એક પુલ ઊભો કરવામાં આવવાનો છે અને તે બંધાઈ ગયા બાદ જૂનો પુલ તોડી પાડીને તે જગ્યાએ નવો પુલ બાંધવામાં આવશે.