આમચી મુંબઈ

અધુરા પ્રોજેક્ટની રિબિન કાપવાની ધમાધમ: મલાડ મીઠ ચોકીના પુલની એક લેન આવતી કાલે ખૂલ્લી મુકાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્રમાં ગમે તે ઘડીએ વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની શક્યતા સાથે તરત જ આચારસંહિતા અમલમાં આવી જશે. આ પહેલા અધુરાં ઈન્ફ્રાસ્ટ્રક્ટર પ્રોેજેક્ટનું ઉદ્ઘાટન કરવાની સરકારને ઉતાવળ છે. મલાડ (પશ્ર્ચિમ)માં મીઠ ચોકી જંકશન પર લિંક રોડ પર બાંધવામાં આવી રહેલા ફ્લાયઓવરની એક લેનનું લોકાર્પણ આવા જ એક રવિવારે કરાશે.
મલાડ-માર્વેથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે તરફ જતા એટલે કે પશ્ર્ચિમથી પૂર્વ તરફ જનારા મીઠ ચોકી જંકશન પર નાગરિકોને ભારે ટ્રાફિક જૅમનો સામનો કરવો પડતો હતો. તેથી સુધરાઈએ અહીં ‘ટી’ આકારનો ફ્લાયઓવર બાંધવાનો નિર્ણય લીધો હતો. ૧૧ એપ્રિલ, ૨૦૨૨ના રોજ ફ્લાયઓવર બાંધવાના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. માર્વેથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર જતા રોડ અને માર્વેથી ગોરેગામ તરફ જનારા રોડ એ મુજબની ફ્લાયઓવરની રચના છે. તેમાંથી માર્વેથી વેસ્ટર્ન એક્સપ્રેસ તરફ જનારા સિંગલ રોડને વાહનવ્યવહાર માટે આવતી કાલે ખુલ્લો મુકાશે છે. આ રોડની લંબાઈ ૩૯૦ મીટર અને પહોળાઈ આઠ મીટર છે.

દહિસરથી અંધેરી (પશ્ર્ચિમ) મેટ્રો-બેના એલિવેટેડ રૂટને કારણે પાલિકાએ બાંધેલા ફ્લાયઓવરની ઊંચાઈ પર મર્યાદા આવી છે. તેથી આ ફ્લાયઓવરનો ઉપયોગ ફક્ત લાઈટ વાહનો માટે જ કરવામાં આવવાનો છે. તો માર્વે તરફથી ગોરેગામ તરફ જનારા ફ્લાયઓવરનો રોડ ડિસેમ્બર ૨૦૨૪ અંત સુધીમાં ખુલ્લો મૂકવાનું આયોજન છે. આ પૂરા પ્રોજેક્ટ માટે પંચાવન કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજિત છે.


| Also Read: નવરાત્રી ટાણે ટામેટાંએ ખોરવ્યું બજેટ, ભાવ સાંભળી ચોંકી જશો…


ડિસેમ્બર, ૨૦૨૪ની ડેડલાઈન
આ પુલનું કામ તેના અંતિમ તબક્કામાં છે. આગામી ત્રણ મહિનામાં તેનું કામ પૂરું કરીને ડિસેમ્બર, ૨૦૨૪માં પૂરો ફ્લાયઓવર ખુલ્લો મૂકવામાં આવશે એવો દાવો પાલિકાએ કર્યો છે. ફ્લાયઓવર બની ગયા બાદ ટ્રાફિકમાં રાહત મળશે. જે લોકો મનોર, મઢ અને માલવણીથી મલાડ રેલવે સ્ટેશન તરફ જાય છે તેમની માટે આ પુલ રાહતરૂપ બની રહેશે. ‘ટી-આકાર’નો ફ્લાયઓવર જમણી બાજુ ગિરિધર પાર્ક બ્રિજથી નીકળશે અને મલાડ ક્રીક ઉપરથી પસાર થશે. તો પુલની પશ્ર્ચિમ બાજુ સેન્ટ જોસેફ સ્કૂલથી નીકળશે અને આગળ મલાડ સ્ટેશન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે તરફ જશે. પુલનો બીજો રસ્તો દક્ષિણ તરફ જશે અને તેને કારણે પુલ ‘ટી’ આકારનો જણાશે. આ દક્ષિણ તરફનો રોડ લિન્ક રોડ પર ઊતરશે અને ત્યાંથી વાહનચાલકો ઈન્ફિનિટી મોલ અને અંધેરી તરફ આગળ વધી શકશે.


| Also Read: Mumbai Airport: નોંધી લો તારીખ, આ દિવસે છ કલાક બંધ રહેશે મુંબઇ એરપોર્ટ…


ફ્લાયઓવર બાંધવામાં છબરડો?
અંધેરીના ગોખલે બ્રિજ અને બરફીવાલ પુલ વચ્ચે પાલિકાના અધિકારીઓની ભૂલને કારણે લગભગ અઢી મીટરનું અંતર રહી ગયું હતું અને તેમને સમાંતર લાવવામાં નાકે દમ આવી ગયો હતો, તેવો જ છબરડો મલાડની મીઠ ચોકી જંકશન પર બાંધવામાં આવેલા પુલમાં કરવામાં આવ્યો હોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર ઑગસ્ટમાં ફરી વળ્યો હતો. મલાડના મીઠ ચોકી જંકશન પર નિર્માણાધિન ફ્લાયઓવર અને ઉપરથી પસાર થતી મેટ્રો લાઈન વચ્ચે બહુ ઓછું અંતર છે ત્યારે આ ફ્લાયઓવર બાબતે પાલિકાના ઉચ્ચ અધિકારી અગાઉ કહી ચૂકયા છે કે એક વખત પુલનું બાંધકામ પૂરું થઈ જશે ત્યારબાદ તેને વર્તમાન સ્થિતિથી નીચે લાવવામાં આવશે. પુલનું બાંધકામ પૂરું થયા બાદ અહીં ઊંચા વાહનો પર પ્રતિબંધ રહેશે અને તે માટે હાઈટ બેરિયર્સ બેસાડવાનું પ્રસ્તાવિત છે.


| Also Read: *મહારાષ્ટ્ર સરકારની સ્વીત્ઝર્લેન્ડ વિઝીટ બાબતે થયા આક્ષેપો, અપાયું સ્પષ્ટીકરણ, જાણો શું છે પ્રકરણ…


સુધરાઈની સ્કૂલની બિલ્િંડગનું પણ લોકાર્પણ
મલાડ (પશ્ર્ચિમ) પરિસરમાં માલવણી-માર્વે રોડ સ્થિત માલવણી ટાઉનશિપ મહાનગરપાલિકા સ્કૂલ બિલ્િંડગનું પણ લોકાર્પણ સમારંભ રવિવારે, છ ઑક્ટોબરના કરવામાં આવવાનો છે. માલવણી ટાઉનશીપ મહાનગરપાલિકાની સ્કૂલની સ્થાપના ૧૯૬૬માં કરવામાં આવી હતી. અગાઉ અહીં ગ્રાઉન્ડ પ્લસ એક માળની બિલ્ડિંગ હતી. આ બિલ્િંડગને ૨૦૨૦માં તોડી પાડવામાં આવી હતી અને ત્યારબાદ ગ્રાઉન્ડ પ્લસ છ માળની બિલ્િંડગ બાંધવામાં આવી હતી. નવી બંધાયેલી બિલ્ડિંગમાં ૧૦૪ ક્લાસરૂમ છે, તેની પાછળ ૫૬ કરોડ ૭૨ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. માલવણી ટાઉનશીપ કૉમ્પ્લેક્સમાં કુલ ૨,૮૨૭ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button