Maharashtra crime: વસઇમાંથી ગાયબ સગીર બહેનો આખરે તુંગારેશ્વર જંગલમાંથી મળી આવી: યુવકની અટક
વસઇ: વસઇના ચુળને ગામમાંથી ગાયબ થયેલી બે સગીર બહેનોને માણિકપૂર પોલીસે સલામત રીતે બચાવી લીધી છે. તુંગારેશ્વરના જંગલમાં આ સગીર બહેનો બુધવારે રાત્રે મળી આવી હતી. આ બહેનોને પટાવીને ભગાવી જનાર 19 વર્ષના યુવકની પોલીસે અટક કરી છે. આરોપી આ છોકરીઓના પિતાના તબેલામાં કામ કરે છે.
વસઇના ચુળને ગામમાં રહેનારી 15 અને 13 વર્ષની બે સગી બહેનો મંગળવારે વહેલી સવારથી ગાયબ હતી. આ છોકરીઓને શોધવા માટે પોલીસે 4 ટૂકડીઓ બનાવી. સીસીટીવીના આધારે ખબર પડી હતી કે આ છોકરીઓ નાલાસોપારા સ્ટેશન પર ઉતરીને રિક્ષામાં તુંગારેશ્વરના જંગલમાં ગઇ હતી. તેમની સાથે બે છોકરાઓ પણ હતાં. બુધવારે રાત્રે પોલીસે તુંગારેશ્વર જંગલમાં શોધખોળ કરી. અને એક ઝૂપડાંમાંથી આ બંને છોકરીઓ સલામત મળી આવી હતી.
આ બંને છોકરીઓના પિતાનો તબેલો છે. જેમાં બે યુવકો કામ કરે છે. તેઓ આ છોકરીઓને બહેલાવી ફૂસલાવીને લઇ ગયા હતાં. જેમાંથી એક આરોપી સગીર છે જ્યારે બીજો 19 વર્ષનો છે. જેની પોલીસે અપહરણના ગુનામાં અટક કરી છે. છોકરીઓ સુરક્ષીત છે અને એમની સાથે કંઇ જ ખોટું થયું નથી તેવી જાણકારી માણિકપૂર પોલીસ સ્ટેશનના અધિકારીએ આપી હતી. છોકરીઓની માસુમીયતનો ફાયદો ઉઠાવી આરોપી તેમને ભગાવી ગયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.