મીરા રોડમાં 28ની ધરપકડ, 12 પોલીસ કેસ, અને ‘Bulldozer’ની કાર્યવાહી બાદ હવે સ્થિતિ કેવી છે?
![mira road bulldozer](/wp-content/uploads/2024/01/mira-road-bulldozer-clash.webp)
મુંબઈ: 22 જાન્યુઆરીના રોજ યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે મીરા રોડના નયા નગર વિસ્તારમાં હિંસા ભડકી હતી. જો કે પોલીસે તરત જ સ્થિતિ સંભાળી લેતા હાલમાં મીરા રોડમાં શાંતિ છે. મીરા ભાયંદરની પોલીસે આ ઘટનામાં 12 કેસ નોંધ્યા છે અને 28 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીઓમાં બંને સમુદાયના લોકોનો સમાવેશ થાય છે.
તેમજ પોલીસે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સ્થિતિ હવે શાંતિપૂર્ણ અને નિયંત્રણમાં છે. તેમજ પોલીસે સ્પષ્ટતા કરી હતી કે આ ઘટના અંગે સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા તમામ વીડિયો નકલી છે. આવા વીડિયો સેર કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર ધાર્મિક નફરત ફેલાવવા બદલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ બે કેસ નોંધવામાં આવ્યા છે.
જેમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આરોપીઓ સામે તરત જ કાર્યવાહી કરતા તેમના રહેણાંક સ્થાને અને તેમના ધંધાના સ્થાને બુલડોઝર ફેરવવામાં આવ્યા હતા. મીરા રોડમાં થયેલી હિંસા બાદ સોશિયલ મીડિયા પર ઘણા ભડકાઉ વીડિયો પણ વાઈરલ થયા હતા. જેમાં પોલીસ ઘરમાં ઘૂસીને બદમાશોને મારતા અને બદમાશોએ મીરા રોડ પોલીસ સ્ટેશનને આગ લગાડી હોવાના અનેક ફૂટેજ છે. આ તમામ વીડિયો નકલી હોવાનું પલીસે જણાવ્યું હતું. તેમજ પોલીસે અફવાઓ પર ધ્યાન ના આપવા અપીલ કરી હતી.
નયાનગરની ઘટનામાં અક એવો પણ વીડિયો વાઈરલ થયો હતો જેમાં રેલીમાં સામેલ એક યુવકના હાથમાં બંદૂક હતી. જેના કારણે હોબાળો મચી ગયો હતો. જોકે પોલીસ તપાસમાં આ બંદૂક પ્લાસ્ટિકની હોવાનું બહાર આવ્યું હતું.
આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી ભડકાઉ પોસ્ટને હટાવવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. મીરા રોડમાં હિંસા દરમિયાન અબુ શેખનો સોશિયલ મીડિયા પર ભડકાઉ નિવેદન આપતો વીડિયો વાઈરલ થયો હતો. ત્યારબાદ અબુ શેખની ધરપકડ કરીને થાણે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે અબુ શેખનો વાઈરલ વીડિયો કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેને બે દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યો હતો.
નયા નગરમાં ઘણી હિન્દુની દુકાનો છે. સરાફાએ જણાવ્યું કે આ ઘટના બની ત્યારથી દુકાને કોઈ આવ્યું નથી. આ ઘટનાની ધંધા પર સીધી અસર થઈ છે.