મુંબઈની લોકલ ટ્રેનની ભીડે 31 વર્ષીય જવાનનો ભોગ લીધો…

મુંબઈઃ મુંબઈની લોકલ ટ્રેનએ મુંબઈગરાની લાઈફલાઈન છે, પરંતુ અનેક વખત આ લાઈફલાઈન જ મુંબઈગરા માટે જીવલેણ સાબિત થાય છે. દરરોજ ટ્રેનની અડફેટે આવી જતા, ભીડ, ધક્કામુક્કીને કારણે ટ્રેનમાંથી પડી જતાં પ્રવાસીઓ મોતને ભેટે છે. આવી જ એક વધુ ચોંકાવનારી માહિતી સામે આવી છે જેમાં ટ્રેનમાં રહેલી ભીડને કારણે ટ્રેનમાંથી પડી જતાં 31 વર્ષીય જવાનનું મૃત્યુ થયું હતું. આ જવાબ ડ્યૂટી પૂરી કરીને ઘરે પાછો ફરી રહ્યો હતો, ત્યારે યુનિફોર્મમાં જ તેનું મૃત્યુ થયું હતું.
મળતી માહિતી અનુસાર શુક્રવારે સાંજે મીરા રોડ અને ભાયંદર સ્ટેશન વચ્ચે થયેલા એક અકસ્માતમાં મહારાષ્ટ્ર સુરક્ષા દળ (MSF)ના જવાન ગણેશ જગદાળે (31)નું મૃત્યુ થયું હતું. ગણેશ જગદાળે દહીંસરથી નાયગાવ તરફ જઈ રહેલી વિરાર લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા હતા.
દરરોજની જેમ વિરાર ટ્રેનમાં રહેલી ભીડને કારણે દરવાજા પર ઊભા રહીને પ્રવાસ કરી રહેલાં ગણેશ જગદાળે સંતુલન ગુમાવતા ટ્રેનમાંથી નીચે પડી ગયા. અકસ્માતમાં તેમને ગંભીર ઊજા પહોંચી હતી, તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કર્યા હતા.
મૃત જવાન ગણેશ જગડાળે દહીંસર સિટી પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતા અને આ અકસ્માતની રેલવે પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરીને તપાસ શરૂ કરી છે. યુનિફોર્મ અને આઈડી કાર્ડ પરથી ગણેશ જગદાળેની ઓળખ થઈ હતી. રેલવે પોલીસે ગણેશને કાંદિવલી ખાતે આવેલી પાલિકાની શતાબ્દિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માથામાં થયેલી ગંભીર ઈજા અને વધારે લોહી વહી જવાને કારણે તેમનું મૃત્યુ થયું હોવાની માહિતી ડોક્ટરોએ આપી હતી.
આ પણ વાંચો…મુંબઈ લોકલ ટ્રેનના મહિલા કોચ પર પથ્થર વાગતા યુવતી ઘવાઈ, સપ્તાહમાં ત્રીજો બનાવ