મીરા-ભાયંદર પાલિકાના બે કર્મચારી સહિત ત્રણની લાંચના કેસમાં ધરપકડ

થાણે: ગેરકાયદે બાંધવામાં આવેલી રૂમને તોડી ન પાડવા માટે 16 હજાર રૂપિયાની લાંચ માગવા બદલ એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ મીરા-ભાયંદર પાલિકાના બે કર્મચારીઓ સહિત ત્રણની ધરપકડ કરી હતી.
ધરપકડ કરાયેલા ત્રણેય જણની ઓળખ પાલિકાના અતિક્રમણ-વિરોધી વિભાગના ક્લર્ક રાજેશ કદમ (43), એ જ વિભાગના સેનિટરી વર્કર સુહાસ કેની (55) તેમ જ વચેટિયા સંજય ભોલા (47) તરીકે થઇ હતી. પાલિકાના બંને કર્મચારીએ 20 હજાર રૂપિયાની લાંચ માગી હતી અને તડજોડને અંતે તેમણે 16 હજાર રૂપિયા લેવાની તૈયારી દર્શાવી હતી.
આ પણ વાંચો: થાણેમાં લાંચના કેસમાં ડેપ્યુટી કમિશનર સહિત ત્રણને અદાલતી કસ્ટડી ફટકારાઇ…
આ કેસના ફરિયાદીએ ઘોડબંદર રોડ પર કાજુપાડા ખાતે કામચલાઉ રહેવા માટે પતરાનો ઉપયોગ કરીને નાની રૂમ બાંધી હતી, જેની સામે કાર્યવાહી ન કરવા માટે બંને કર્મચારીએ રૂપિયાની માગણી કરી હતી, એમ થાણે એસીબીના ઇન્સ્પેક્ટર સચિન ગોરેએ કહ્યું હતું.
દરમિયાન ફરિયાદીએ આ પ્રકરણે એસીબીનો સંપર્ક સાધ્યો હતો. તેની ફરિયાદને આધારે તપાસ કર્યા બાદ એસીબીના અધિકારીઓએ હોટેલ નજીક છટકું ગોઠવીને બંને કર્મચારી વતી લાંચ લેવા આવેલા સંજય ભોલાને પકડી પાડ્યો હતો. બાદમાં પાલિકાના બંને કર્મચારીને પણ તાબામં લેવાયા હતા, એમ ગોરેએ જણાવ્યું હતું. (પીટીઆઇ)



