મોબાઈલના વિવાદમાં છરી હુલાવી સગીરની હત્યા: મિત્રની ધરપકડ

મુંબઈ: મોબાઈલ ફોનના વિવાદમાં છરી હુલાવી 16 વર્ષના સગીરની કથિત હત્યા કરવામાં આવી હોવાની મલાડમાં બનેલી ઘટનામાં પોલીસે આરોપી મિત્રની ધરપકડ કરી હતી.
દિંડોશી પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ આમીર ગુલ્લુ સજદા (20) તરીકે થઈ હતી. મલાડ પૂર્વમાં રાણી સતી માર્ગ પરના ખોતડોંગરી પરિસરમાં મંગળવારની રાતે બનેલી ઘટનામાં ફરદીન યુસુફ ખાન (16)નું મૃત્યુ થયું હતું.
અધિકારીના જણાવ્યા મુજબ આરોપી સજદાના પિતા ગુલ્લુ વલી મોહમ્મદ પણ હત્યાના એક કેસમાં જેલમાં સજા ભોગવી રહ્યા છે અને હવે પુત્ર લૉકઅપભેગો થયો છે. 2014માં શિવસેનાના કાર્યકર રમેશ જાધવની હત્યાના કેસમાં સજદાના પિતાની ધરપકડ કરાઈ હતી.
પોલીસ ફરિયાદ અનુસાર આરોપી સજદા અને મૃતક ખાન એક જ પરિસરમાં રહેતા હોવાથી સારા મિત્રો હતા. મંગળવારની રાતે એ જ પરિસરમાં બન્ને સાથે બેઠા હતા ત્યારે સજદાએ ખાનનો મોબાઈલ ફોન લીધો હતો. ઘરે પહોંચ્યા પછી ખાનને યાદ આવ્યું હતું કે તેનો મોબાઈલ ગુમ છે. મોબાઈલ સજદાએ લીધો હોવાની શંકાને તેને હતી.
આ પણ વાંચો :તમને પણ સતાવે છે Slow Internet ની સમસ્યા? મોબાઈલમાં ઓન કરી લો આ એક સેટિંગ અને…
કહેવાય છે કે સજદાના ઘરે પહોંચી ખાને મોબાઈલ અંગે પૂછપરછ કરી હતી. સજદાએ મોબાઈલ તેની પાસે ન હોવાનું કહી માત્ર સિમ કાર્ડ ખાનને આપ્યો હતો. બન્ને વચ્ચે બોલાચાલી થતાં ખાને સજદાને લાફો ઝીંકી દીધો હતો. ગુસ્સામાં રસોડામાં જઈ સજદા છરી લઈ આવ્યો હતો અને ખાન પર હુમલો કર્યો હતો.
લોહીલુહાણ હાલતમાં ખાન જમીન પર ફસડાઈ પડતાં સજદા ત્યાંથી ફરાર થઈ ગયો હતો. નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયેલા ખાનને તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં દિંડોશી પોલીસે ગુનો નોંધી સજદાની શોધ હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં તેને મલાડ સ્ટેશનેથી તાબામાં લેવાયો હતો. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.