અંધેરીમાં પેટ્રોલ રેડી સગીરાને જીવતી સળગાવી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરીમાં ઘર નજીકનાં પગથિયાં પર બેસેલી સગીરા પર પેટ્રોલ રેડી યુવાને તેને જીવતી સળગાવી હોવાની ઘટના બની હતી.
અંધેરી પશ્ર્ચિમમાં મરોલ ગાવઠણ ખાતે બનેલી આ ઘટનામાં 60 ટકા દાઝેલી સગીરાને સારવાર માટે કૂપર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સગીરાની માતાની ફરિયાદને આધારે પોલીસે જિતેન્દ્ર ઉર્ફે જીતુ તાંબે (30) વિરુદ્ધ ગુનો નોંધી તેની તપાસ હાથ ધરી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર સગીરા અને તાંબે વચ્ચે મિત્રતા હતી. છ મહિના અગાઉ બન્નેને મરોલ વિસ્તારમાં સાથે ફરતાં એક રહેવાસીએ જોયાં હતાં. આ બાબતની જાણ થતાં ફરિયાદીએ દીકરીની પૂછપરછ કરી હતી અને તાંબેને પણ ચેતવણી આપી હતી.
આ પણ વાંચો : અંધેરી નગરીને…: છ મહિના પૂર્વે મૃત્યુ પામેલા શિક્ષકને સોંપી એક નહીં બે મહત્ત્વની જવાબદારી…
કહેવાય છે કે રવિવારની રાતે જમ્યા પછી 11.30 વાગ્યાની આસપાસ સગીરા ઘર નજીકની સીડીનાં પગથિયાં પર બેઠી હતી. તે સમયે ત્યાં આવેલા આરોપીએ તેના પર પેટ્રોલ રેડી દીવાસળી ચાંપી હતી. સગીરાએ મદદ માટે બૂમો પાડતાં રહેવાસીઓ દોડી આવ્યા હતા અને આગ ઓલવી નાખી હતી. જોકે આગમાં સગીરા 60 ટકા દાઝી હતી. સારવાર માટે તેને કૂપર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોઈ તાંબેએ આ કૃત્ય કર્યું હોવાનું સગીરાએ તેની માતાને કહ્યું હતું.