15 વર્લ્ડ ચૅમ્પિયનોને જોવા લાખો ક્રિકેટક્રેઝીઓનું માનવ મહેરામણ, ઓપન બસ રોડ-શો અઢી કલાક મોડો શરૂ થયો
ટી-20 વર્લ્ડ કપ જીતીને આવેલા ખેલાડીઓની મરીન ડ્રાઇવ પરની વિજયી-પરેડ મોડી શરૂ થતાં પરિસ્થિતિ વણસી ગઈ
મુંબઈ: વેસ્ટ ઇન્ડિઝથી ટી-20 વર્લ્ડ કપનો તાજ જીતીને પાછા આવેલા 15 ખેલાડીઓની વિજયી-પરેડ જોવા ગુરુવારે મરીન ડ્રાઇવ પર, ચર્ચગેટ સ્ટેશનની નજીક તેમ જ વાનખેડે સ્ટેડિયમમાં અને એની આસપાસ લાખો લોકો ઊમટી પડ્યા હતા. જોકે ખેલાડીઓનો નિર્ધારિત ઓપન બસ રોડ-શો અઢી કલાક મોડો શરૂ થતાં લોકોએ લાંબા સમય સુધી તેમની રાહ જોતા ઊભા રહેવું પડ્યું હતું. એમાંના અસંખ્ય લોકો મરીન ડ્રાઇવ પરથી પાછા વળી ગયા હતા. ચર્ચગેટમાં લાખોની સંખ્યામાં લોકો આવી પડતાં ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી.
હજારો ક્રિકેટક્રેઝીઓ જેમાં નેવું ટકા લોકો 10થી 30 વર્ષ વચ્ચેની ઉંમરના હતા. યુવા વર્ગના આ ક્રિકેટ ફૅન્સ મરીન ડ્રાઇવની એક કિલોમીટરથી પણ લાંબી પાળ પાસે તથા એની સામેની ફૂટપાથ પર તેમ જ માર્ગો પર ચૅમ્પિયન ખેલાડીઓને ઓપન બસમાં જોવા કલાકોથી ઊભા રહ્યા હતા. દરિયાની નજીક લાખો લોકોની હાજરીને લીધે જાણે ‘માનવ સમુદ્ર’ જેવી હાલત હતી.
આ ઓપન બસ રોડ-શો સાંજે 5.00 વાગ્યાની આસપાસ નરીમાન પૉઇન્ટ ખાતેના એનસીપીએ ખાતેથી શરૂ થશે અને વાનખેડે સુધી ખેલાડીઓનો કાફલો લગભગ બે કલાકમાં પહોંચશે એવી આગલા દિવસે જ જાહેરાત થઈ ગઈ હોવાથી મુંબઈના પશ્ર્ચિમ તથા મધ્ય મુંબઈ સહિત દૂર-દૂરના પરાંઓમાંથી લોકો આવી ગયા હતા અને માનવ મહેરામણથી રસ્તાઓ જામ પૅક થઈ ગયા હતા. જોકે ઓપન બસની પરેડ અઢી કલાક મોડી એટલે કે સાંજે 7.30 વાગ્યે શરૂ થઈ હતી.
આ પણ વાંચો : Victory Parade: ટીમ ઈન્ડિયા કડક બંદોબસ્ત વચ્ચે એરપોર્ટથી નીકળી
રોહિત શર્મા અને તેના સાથી ચૅમ્પિયનોની જીત સેલિબ્રેટ કરવા અસંખ્ય છોકરાઓ તેમ જ છોકરીઓ ટીમ ઇન્ડિયાની બ્લૂ જર્સીમાં આવ્યા હતા. અનેક જૂથો રાષ્ટ્રીય તિરંગા સાથે આવ્યા હતા અને ‘ભારત માતા કી જય’, ‘હિન્દુસ્તાન જિંદાબાદ’ તથા ‘ઇન્ડિયા…ઇન્ડિયા…’ વગેરે નારા લગાવ્યા હતા.
ખરેખર તો દિલ્હીથી ભારતીય ખેલાડીઓ નિયત સમય કરતાં મોડા (સાંજે 4.00ને બદલે 5.00 વાગ્યે) આવ્યા હતા અને ત્યાર બાદ નરીમાન પૉઇન્ટથી તેમનો વિજયી-કાફલો પણ મોડો રવાના થયો હતો. ખરેખર તો ખેલાડીઓ દિલ્હીથી મોડા આવ્યા અને ત્યાર પછી ચૅમ્પિયનોની ઓપન બસ નિયત સમય કરતાં મોડી આવી એ પહેલાંથી જ લાખોની સંખ્યામાં લોકો નિયત સ્થળે તેમને જોવાની અપેક્ષા સાથે આવી ગયા હતા અને થોડી-થોડી વારે એમાં હજારોની સંખ્યામાં ઉમેરો થતો ગયો હતો.
દિલ્હીથી ટીમ ઇન્ડિયા મોડા એટલે બપોરે 3.42 વાગ્યે રવાના થઈ શક્યા હતા. દિલ્હીથી મુંબઈ સુધીની હવાઈ મુસાફરી બે કલાક અને દસ મિનિટની હતી.
અધૂરામાં પૂરું, સવારથી વરસાદ નહોતો, પણ સાંજે શરૂ થતાં લોકોની હેરાનગતિ વધી ગઈ હતી.
ઓપન બસ રોડ-શોની સફર બાદ ભારતીય ખેલાડીઓની વાનખેડેમાં વિજયી-પરેડ થવાની હોવાથી હજારોની સંખ્યામાં વાનખેડે પાસે પણ આવી ચડ્યા હતા. વાનખેડેમાં હજારો લોકોએ વિશ્ર્વવિજેતા ખેલાડીઓની પરેડ જોવા વરસાદમાં પણ ઊભા હતા.
ભારતીય ટીમ 13 વર્ષે આઇસીસીની મોટી ટ્રોફી જીતી છે. 2011માં વન-ડેનો બીજો વર્લ્ડ કપ જીત્યા બાદ હવે ભારત (2007 પછી) બીજી વાર ટી-20નો વર્લ્ડ કપ જીત્યું છે.