કોને ભારે પડશે મિલિંદ દેવરાનો પક્ષત્યાગ? અરવિંદ સાવંતને કે ખુદ દેવરાને
દેવરાને કારણે ભાજપમાં અસંતોષ થવાની શક્યતા: ભાજપનો ગઢ કાયમનો ગયો!
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં મકરસક્રાંત મોટી ઉથલપાથલ લઈને આવી છે. દેવરા પરિવારના પંચાવન વર્ષ જૂના કૉંગ્રેસ સાથેના સંબંધોનો વિચ્છેદ થયો છે, પરંતુ દેવરાના આ પક્ષત્યાગનો ફટકો કોને પડશે એવો મોટો સવાલ અત્યારે કરવામાં આવી રહ્યો છે.
ભાજપનો સામનો કરવા માટે કૉંગ્રેસે જે ઈન્ડિયા આઘાડી તૈયાર કરી છે તેના ઘટક પક્ષ શિવસેના (યુબીટી)ના નેતા અરવિંદ સાવંત અત્યારે દક્ષિણ મુંબઈ મતદારસંઘના સંસદસભ્ય છે અને તેથી તેમને જ આ બેઠક પરથી ઉમેદવારી આપવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે. અરવિંદ સાવંત જેની સામે લડીને સંસદસભ્ય બન્યા છે તે મિલિંદ દેવરાની આ પારંપારિક બેઠક છે અને અહીંથી દેવરા પરિવારે છેલ્લા ૧૦ વર્ષ બાદ કરતાં સળંગ વિજય મેળવ્યા છે. આવી સ્થિતિમાં મિલિંદ દેવરા આ બેઠક પરથી લડવા ઈચ્છુક હોવાને કારણે જ એકનાથ શિંદેની પાર્ટીમાં જોડાયા છે.
રાજકીય નિરીક્ષકોના માનવા મુજબ દેવરા ફરી એક વખત ચૂંટણીના મેદાનમાં આવે તો અરવિંદ સાવંતને પરાજયનો સ્વાદ ચખાડી શકે છે. અરવિંદ સાવંત મોદી લહેરને કારણે વિજયી થયા હોવામાં બે મત નથી. આ વખતે જો દેવરાને ભાજપનો સાથ મળી રહ્યો છે તો સાવંતને નુકસાન થવાનું પાકુું માનવામાં આવે છે.
અન્ય કેટલાક રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે દેવરાએ ભાજપ સંલગ્ન શિંદે-સેનામાં જોડાઈને મોટી ભૂલ કરી છે. આટલા વર્ષો સુધી દેવરા પરિવારે આ બેઠક જાળવી રાખી હતી તો એનું મોટું કારણ હતું કે આ વિસ્તારના મુસ્લિમ મતો કૉંગ્રેસની સાથે હતા. શિંદે-સેનામાંથી ઉમેદવારી કરશે તો દેવરાને આ મુસ્લિમ મતોથી હાથ ધોઈ નાખવાનો વારો આવશે, એવો અંદાજ રાજકીય નિરીક્ષકો લગાવી રહ્યા છે. આવી સ્થિતિમાં સાવંતને નુકસાન થવાને બદલે ફાયદો થવાની શક્યતા વધારે છે.
દેવરાના વિજયમાં આ વિસ્તારના ગુજરાતી-મારવાડી મતોનું મોટું યોગદાન હતું અને આ મતોમાંથી ઘણાખરા અત્યારે ભાજપની સાથે છે એથી દેવરાને નવા સમીકરણમાં ફાયદો થઈ શકે એવું કેટલાક લોકોનું માનવું છે. મિલીંદ દેવરા છેલ્લા ઘણા સમયથી પાર્ટીમાં ગુજરાતી-મારવાડીઓ સાથે થઈ રહેલા અન્યાય અંગે ફરિયાદ કરી રહ્યા હતા અને તેમ છતાં તેમની વાતોને કાને ધરવામાં આવી ન હોવાથી તેઓ નારાજ હતા. અત્યારે પણ પાર્ટીના ઉપેન્દ્ર દોશી સહિતના ગુજરાતી નેતાઓ આવી ફરિયાદ કરી રહ્યા છે. મુંબઈમાં એક સમયે ગુજરાતી નેતાઓની બોલબાલા હતી અને હવે તેમને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા હોવાથી ગુજરાતી મતદારો કૉંગ્રેસને છોડીને ભાજપની પડખે ચડી રહ્યા છે અને જો કૉંગ્રેસ મુંબઈમાંથી એકેય ગુજરાતી-મારવાડી ઉમેદવાર નહીં આપે તો આ આખો સમાજ કૉંગ્રેસથી વિમુખ થઈ જવાની શક્યતા છે, એવું કૉંગ્રેસના આંતરિક વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.
બીજી તરફ દેવરાના પગલાંને કારણે ભાજપને સૌૈથી મોટો ફટકો પડ્યો છે, કેમ કે જો આ બેઠક પરથી શિંદે-સેનાના માધ્યમથી મિલીંદ દેવરાને ઉતારવામાં આવશે તો જયવંતીબહેનનો આ મતદારસંઘ ભાજપના હાથમાંથી કાયમનો જતો રહેશે. આ મતદારસંઘ પરથી ગુજરાતી-મારવાડી ઉમેદવાર આપવાની માગણી ગયા વખતે પણ કરવામાં આવી હતી, પરંતુ અરવિંદ સાવંત સંસદસભ્ય હોવાથી ત્યારે તેના પર ધ્યાન આપવામાં આવ્યું નહોતું, હવે અરવિંદ સાવંત શિવસેના (યુબીટી) સાથે હોવાથી ભાજપના ગુજરાતી નેતાઓમાં જોશ આવ્યું હતું, પરંતુ દેવરાના શિંદે-સેનામાં જોડાવાથી તેના પર ઠંડુ પાણી ફરી વળ્યું છે.
ભાજપ પાસે પ્રતિભાશાળી લોકો નથી?: સુપ્રિયા સૂળે
મુંબઈ: શરદ પવારના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષનાં સુપ્રિયા સૂળેએ રવિવારે ભાજપનો ઉપહાસ કરતા સવાલ કર્યો હતો કે શું તેમની પાસે કોઈ પ્રતિભાશાળી નેતા જ નથી? ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરાએ કૉંગ્રેસને રામ રામ કર્યા એના ઉપલક્ષ્યમાં શ્રીમતી સૂળેએ આ સવાલ કર્યો હતો. દેવરા ભારતીય જનતા પક્ષ સાથે રાજકીય જોડાણ ધરાવતી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનામાં જોડાઈ જશે એવી અટકળો વહેતી થઈ છે. થઈ રહેલા ફેરફાર અંગે પ્રતિક્રિયા પૂછવામાં આવતા શ્રીમતી સુળેએ જણાવ્યું હતું કે ભાજપ અને સાથી પક્ષો કૉંગ્રેસ બની રહ્યા છે. ‘પક્ષ માટે અથાગ કોશિશ કરતા ભાજપના કાર્યકર્તાનું ભવિષ્ય શું?’ એવો સવાલ પણ તેમણે કર્યો હતો. (પીટીઆઈ)
છીનવી લેવાનું રહેવા દો, દમ હોય તો પોતાનો પક્ષ બનાવો: રાઉત
મુંબઈ: શિવસેના અને રાષ્ટ્રવાદી પક્ષમાં ભંગાણ પાડી એને વિભાજિત કરવા બદલ શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે રવિવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પર આક્રમક શાબ્દિક હુમલો કરી પક્ષ છીનવી લેવાનો આરોપ તેમના પર મૂક્યો હતો. અજિત પવાર અને એકનાથ શિંદેને આડે હાથ લઈ રાઉતે વધુમાં જણાવ્યું હતું કે કોઈ કાકાના પક્ષને છીનવી રહ્યું છે જ્યારે અન્ય કોઈ બીજાનો પક્ષ છીનવી રહ્યો છે. દમ હોય તો પોતાનો પક્ષ બનાવો અને અમારો મુકાબલો કરો. આનો વળતો જવાબ આપી મુખ્ય પ્રધાન શિંદેએ જણાવ્યું હતું કે ‘અમે બાળાસાહેબના પક્ષને આગળ વધારી રહ્યા છીએ. સત્તા માટે તેમના આદર્શો નેવે મૂકનારાઓએ અમારી સાથે વાત જ ન કરવી જોઈએ.’ (પીટીઆઈ)
દક્ષિણ મુંબઈની લોકસભા બેઠક માટે કોઈ બાંધછોડ નહીં: રાઉત
મુંબઈ: માજી કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરાએ કૉંગ્રેસ સાથે છેડો ફાડ્યો એના ઉપલક્ષ્યમાં શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે રવિવારે જણાવ્યું હતું કે દક્ષિણ મુંબઈની લોકસભા બેઠક માટે કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે. દક્ષિણ મુંબઈની લોકસભા બેઠક પર ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના (યુબીટી)એ દાવો કરતા તાજેતરમાં શ્રી દેવરાએ અસહમતી દર્શાવી હતી. ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં અભંગ શિવસેનાના અરવિંદ સાવંતે દેવરાને પરાજિત કર્યા હતા. હાલ સાવંત ઠાકરે જૂથ સાથે છે. ‘સાવંત બે વખત સંસદ સભ્ય તરીકે ચૂંટાયા છે. એ ફરી ચૂંટણી લડે એમાં ખોટું શું છે? એ વિશે કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે,’ એમ રાઉતે જણાવ્યું હતું.
મિલિંદ દેવરાએ કૉંગ્રેસ પક્ષ છોડ્યો એ વિશે સવાલ કરવામાં આવતા રાઉતે જણાવ્યું હતું કે ‘અમે મુરલી દેવરાથી સારી પેઠે પરિચિત હતા. અપેક્ષા રાખ્યા વિના પક્ષ માટે તેમણે ઘણું કામ કર્યું હતું. જો ચૂંટણી લડવા લોકો વફાદારી બદલે એનો અર્થ એ થયો કે રાજ્યમાં નવો શિરસ્તો શરૂ થયો છે.’ (પીટીઆઈ)