મિલીંદ દેવરાનો પક્ષત્યાગ કોને ભારે પડશે? અરવિંદ સાવંતને કે ખુદ દેવરાને…
દેવરાને કારણે ભાજપમાં અસંતોષ થવાની શક્યતા: ભાજપનો ગઢ કાયમનો ગયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં મકરસક્રાંત મોટી ઉથલપાથલ લઈને આવી છે. દેવરા પરિવારના પંચાવન વર્ષ જૂના કૉંગ્રેસ સાથેના સંબંધોનો વિચ્છેદ થયો છે, પરંતુ દેવરાના આ પક્ષત્યાગનો ફટકો કોને પડશે એવો મોટો સવાલ અત્યારે કરવામાં આવી રહ્યો છે.
ભાજપનો સામનો કરવા માટે કૉંગ્રેસે જે ઈન્ડિયા આઘાડી તૈયાર કરી છે તેના ઘટક પક્ષ શિવસેના (યુબીટી)ના નેતા અરવિંદ સાવંત અત્યારે દક્ષિણ મુંબઈ મતદારસંઘના સંસદસભ્ય છે અને તેથી તેમને જ આ બેઠક પરથી ઉમેદવારી આપવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે. અરવિંદ સાવંત જેની સામે લડીને સંસદસભ્ય બન્યા છે તે મિલીંદ દેવરાની આ પારંપારિક બેઠક છે અને અહીંથી દેવરા પરિવારે છેલ્લા 10 વર્ષ બાદ કરતાં સળંગ વિજય મેળવ્યા છે.
આવી સ્થિતિમાં મિલીંદ દેવરા આ બેઠક પરથી લડવા ઈચ્છુક હોવાને કારણે જ એકનાથ શિંદેની પાર્ટીમાં જોડાયા છે.
રાજકીય નિરીક્ષકોના માનવા મુજબ દેવરા ફરી એક વખત ચૂંટણીના મેદાનમાં આવે તો અરવિંદ સાવંતને પરાજયનો સ્વાદ ચખાડી શકે છે. અરવિંદ સાવંત મોદી લહેરને કારણે વિજયી થયા હોવામાં બે મત નથી. આ વખતે જો દેવરાને ભાજપનો સાથ મળી રહ્યો છે તો સાવંતને નુકસાન થવાનું પાકુું માનવામાં આવે છે.
અન્ય કેટલાક રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે દેવરાએ ભાજપ સંલગ્ન શિંદે-સેનામાં જોડાઈને મોટી ભૂલ કરી છે. આટલા વર્ષો સુધી દેવરા પરિવારે આ બેઠક જાળવી રાખી હતી તો એનું મોટું કારણ હતું કે આ વિસ્તારના મુસ્લિમ મતો કૉંગ્રેસની સાથે હતા. શિંદે-સેનામાંથી ઉમેદવારી કરશે તો દેવરાને આ મુસ્લિમ મતોથી હાથ ધોઈ નાખવાનો વારો આવશે, એવો અંદાજ રાજકીય નિરીક્ષકો લગાવી રહ્યા છે. આવી સ્થિતિમાં સાવંતને નુકસાન થવાને બદલે ફાયદો થવાની શક્યતા વધારે છે.
દેવરાના વિજયમાં આ વિસ્તારના ગુજરાતી-મારવાડી મતોનું મોટું યોગદાન હતું અને આ મતોમાંથી ઘણાખરા અત્યારે ભાજપની સાથે છે એથી દેવરાને નવા સમીકરણમાં ફાયદો થઈ શકે એવું કેટલાક લોકોનું માનવું છે. મિલીંદ દેવરા છેલ્લા ઘણા સમયથી પાર્ટીમાં ગુજરાતી-મારવાડીઓ સાથે થઈ રહેલા અન્યાય અંગે ફરિયાદ કરી રહ્યા હતા અને તેમ છતાં તેમની વાતોને કાને ધરવામાં આવી ન હોવાથી તેઓ નારાજ હતા. અત્યારે પણ પાર્ટીના ઉપેન્દ્ર દોશી સહિતના ગુજરાતી નેતાઓ આવી ફરિયાદ કરી રહ્યા છે. મુંબઈમાં એક સમયે ગુજરાતી નેતાઓની બોલબાલા હતી અને હવે તેમને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા હોવાથી ગુજરાતી મતદારો કૉંગ્રેસને છોડીને ભાજપની પડખે ચડી રહ્યા છે અને જો કૉંગ્રેસ મુંબઈમાંથી એકેય ગુજરાતી-મારવાડી ઉમેદવાર નહીં આપે તો આ આખો સમાજ કૉંગ્રેસથી વિમુખ થઈ જવાની શક્યતા છે, એવું કૉંગ્રેસના આંતરિક વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.
બીજી તરફ દેવરાના પગલાંને કારણે ભાજપને સૌૈથી મોટો ફટકો પડ્યો છે, કેમ કે જો આ બેઠક પરથી શિંદે-સેનાના માધ્યમથી મિલીંદ દેવરાને ઉતારવામાં આવશે તો જયવંતીબહેનનો આ મતદારસંઘ ભાજપના હાથમાંથી કાયમનો જતો રહેશે. આ મતદારસંઘ પરથી ગુજરાતી-મારવાડી ઉમેદવાર આપવાની માગણી ગયા વખતે પણ કરવામાં આવી હતી, પરંતુ અરવિંદ સાવંત સંસદસભ્ય હોવાથી ત્યારે તેના પર ધ્યાન આપવામાં આવ્યું નહોતું, હવે અરવિંદ સાવંત શિવસેના (યુબીટી) સાથે હોવાથી ભાજપના ગુજરાતી નેતાઓમાં જોશ આવ્યું હતું, પરંતુ દેવરાના શિંદે-સેનામાં જોડાવાથી તેના પર ઠંડુ પાણી ફરી વળ્યું છે.