મિહિરે મરીન ડ્રાઇવ જતી વખતે મલાડના બારમાંથી બિયરનાં ચાર ટીન ખરીદ્યાં હતાં
મુંબઈ: જુહુના બારમાં મિત્રો સાથે વ્હિસ્કીના ચાર પેગ પીધા બાદ મિહિર શાહે મરીન ડ્રાઇવ જતી વખતે મલાડના બારમાંથી બિયરના ચાર ટીન ખરીદ્યાં હતાં, જે બાદમાં તેણે કારમાં પીધાં હતાં, એવું પોલીસને તપાસમાં જણાયું હતું.
મિહિર મિત્રો સાથે જુહુના બારમાં ગયો હતો અને ત્યાંથી મર્સિડીઝમાં તે બોરીવલીના નિવાસે આવ્યો હતો. મિહિર બાદમાં ડ્રાઇવર બિડાવત સાથે બીએમડબ્લ્યુ કારમાં મરીન ડ્રાઇવ આવવા નીકળ્યો હતો. તેઓ મલાડ પહોંચ્યા ત્યારે મિહિરે ત્યાંના બારમાંથી બિયરનાં ચાર ટીન ખરીદ્યાં હતાં. બાદમાં તેઓ કારમાં મરીન ડ્રાઇવ ગયા હતા.
મિહિરે પૂછપરછમાં પોલીસને જણાવ્યું હતું કે અકસ્માત થયો ત્યારે કાવેરી અને તેનો પતિ પ્રદીપ કારના બોનેટ પર પટકાયાં હતાં. બંને જણ બોનેટ પરથી નીચે પડી ગયાં હોવાનું લાગતાં તેણે કાર ત્યાંથી હંકારી મૂકી હતી. જોકે દોઢ કિ.મી. દૂર ગયા બાદ તેણે કાર થોભાવી હતી અને તેઓ નીચે ઊતર્યા ત્યારે બોનેટ અને બંપર વચ્ચે ફસાયેલી કાવેરી પર તેમની નજર પડી હતી. તેમણે કાવેરીને કાઢીને રસ્તા પર મૂકી હતી અને બાદમાં ડ્રાઇવરે રિવર્સ લેતી વખતે કાર કાવેરીના પર પર ફરી વળી હતી. તેેમણે જાણી જોઇને તેના પર કાર ચડાવી નહોતી, એવું મિહિરે કહ્યું હતું.