સસ્તાંને બદલે થયું મોંઘુ! મ્હાડાના ઘરોની કિંમત ઘટવાને બદલે વધી…
મુંબઈ: મ્હાડા એટલે કે મહારાષ્ટ્ર હાઉઝિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટીના ઘર એટલે કે સામાન્ય મધ્યમવર્ગીય અને ગરીબ વર્ગ માટે સસ્તાં દરે ઘર ઉપલબ્ધ કરાવી આપતા ઘરો એવું મનાય છે ત્યારે મ્હાડા દ્વારા તૈયાર કરવામાં આવેલા ઘરોમાં ઉલટાની કિંમત વધી ગઇ હોવાનું જણાયું છે.
ઓક્ટોબર મહિનાની મ્હાડાની લોટરીમાં પુનર્વિકાસ અંતર્ગત ઉપલબ્ધ થયેલા 370 ઘરોની કિંમતમાં 10થી 15 ટકાનો ઘટાડો કરીને મ્હાડા દ્વારા અરજદારોને મોટી રાહત આપવામાં આવી હતી. જોકે, 370માંથી 14 ઘરોની કિંમતમાં 20 ટકા ઘટાડો થવાને બદલે તેની કિંમતમાં 12થી 13 લાખ રૂપિયાનો વધારો થયો છે.
મુંબઈ મંડળમાં અધિકારીઓએ ઘરોની કિંમતમાં કરેલા વધારાની અસર ઘર મેળવવા ઇચ્છુક અરજદારોને થશે. 14 ઘરો માટે ભૂલભરેલા રેડી રેકનર અનુસાર કિંમત નક્કી કરવામાં આવી હતી.
મ્હાડાના 370 ઉપલબ્ધ ઘરોની કિંમત જે તે પરિસરના રેડી રેકનર દરના 110 ટકા દર મુજબ નક્કી કરવામાં આવે છે. જોકે આ ઘરનું ક્ષેત્રફળ, આવક અને ઘરની કિંમતમાં તફાવત હોવાના કારણે તે મોંઘા થઇ ગયા છે. જેના કારણે મ્હાડાની ટીકા કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે મ્હાડાના ઘરોમાં અલ્પ આવક ધરાવનારા માટે ઘરોની કિંમત પોણા ત્રણ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી હોવાથી મ્હાડાની ઘણી ટીકા કરવામાં આવી રહી છે. જેને પગલે મ્હાડાએ ઘરની કિંમતોમાં આવકના હિસાબે 10થી 25 ટકા ઘટાડી હતી.