Good News: Mhadaના મુંબઈના PMAY ઘર માટે આવક મર્યાદામાં વધારો
મુંબઇ: મ્હાડા (Maharashtra Housing and Area Development Authority)ના મુંબઇ બોર્ડના આશરે 2,000 મકાનના આગામી ડ્રોમાં ગોરેગાંવમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ ખાલી પડેલા 88 મકાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ મકાનોમાં રસ ધરાવતા લોકો માટે આ રાહતની વાત છે. મુંબઈમાં પીએમએવાય યોજના હેઠળ હવે આ ઘરો માટે વાર્ષિક ૬ લાખ રૂપિયાની પારિવારિક આવકની મર્યાદા રાખવામાં આવી છે. અગાઉ આ મર્યાદા વાર્ષિક 3 લાખ રૂપિયા હતી.
મુંબઈમાં પહેલીવાર પીએમએવાય યોજના હેઠળ ગોરેગાંવ પહાડીમાં 1900થી વધુ મકાનોનું બાંધકામ કરવામાં આવ્યું છે. મુંબઈ બોર્ડે ઓગસ્ટ 2023ના ડ્રોમાં આ મકાનોને સામેલ કર્યા હતા. ૩૨૨ ચોરસ ફૂટના આ મકાનની કિંમત 30 લાખ 44 હજાર રૂપિયા હતી. ઓછી આવક ધરાવતા લોકો માટે એ ઘર હતા. દરમિયાન મ્હાડાના ડ્રોના નિયમો મુજબ ઓછી આવક ધરાવતા જૂથ માટે પારિવારિક આવક મર્યાદા વાર્ષિક છ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
જોકે, પીએમએવાય યોજના માટે વાર્ષિક 3 લાખ રૂપિયાની પારિવારિક આવક મર્યાદા છે. એ અનુસાર ગોરેગાંવની પીએમએવાય યોજના હેઠળના મકાનો માટે વાર્ષિક 3 લાખ રૂપિયાની પારિવારિક આવક મર્યાદા પણ લાગુ કરવામાં આવી અને એ અનુસાર ઓગસ્ટ 2023માં ઘરનું વેચાણ કરવામાં આવ્યું હતું. આ ઘરોના વેચાણને સારો પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ અનેક ઇચ્છુક લોકો આ ઘર મેળવવા માટે અરજી કરી શક્યા નહોતા.
આ પણ વાંચો : ચાલુ Local Trainમાં કરી એવી હરકત કે…, RPF Action Modeમાં…
મુંબઈ અને મુંબઈ મેટ્રોપોલિટન રીજનને ધ્યાનમાં લઈએ તો વાર્ષિક ત્રણ લાખની આવક મર્યાદાને બંધબેસતા અરજદારો ખૂબ જ ઓછા હોવાથી મોટી સંખ્યામાં અરજદારો ફોર્મ નહોતા ભરી શક્યા. તેને ધ્યાનમાં રાખીને મ્હાડાએ મુંબઈ મેટ્રોપોલિટન રિજન માટે પીએમએવાય યોજના હેઠળના ઘરો માટે વાર્ષિક 6 લાખ રૂપિયાની પારિવારિક આવક મર્યાદા રાખવાની માંગણી કરી હતી.
આ પ્રસ્તાવને કેન્દ્ર સરકારે માન્ય રાખ્યો છે અને એ અનુસાર કોંકણ બોર્ડે પણ આવક મર્યાદા લાગુ કરી દીધી છે. હવે મુંબઈ બોર્ડના ડ્રો માટે નવી આવક મર્યાદા નક્કી કરવામાં આવી હોવાથી વાર્ષિક 6 લાખ રૂપિયાની પારિવારિક આવક મર્યાદા ધરાવતા ઉમેદવારો પણ મુંબઈ બોર્ડમાં પીએમએવાય મકાનો માટે અરજી ફોર્મ ભરી શકશે.