મ્હાડાનો એક્ઝિક્યુટિવ એન્જિનિયર 40 હજારની લાંચ લેતાં પકડાયો

મુંબઈ: રોહાઉસ પર કાર્યવાહી ન કરવા માટે ચાર લાખ રૂપિયાની લાંચ માગનારા મ્હાડા (મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી)ના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ 40 હજારની લાંચ લેતાં પકડી પાડ્યો હતો.
મ્હાડાના બાંદ્રા ડિવિઝનમાં સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં કાર્યરત રણજિત બાળાસાહેબ ચવાણ (50)ની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી.
આપણ વાંચો: થાણેમાં લાંચના કેસમાં ડેપ્યુટી કમિશનર સહિત ત્રણને અદાલતી કસ્ટડી ફટકારાઇ…
એસીબીના જણાવ્યા અનુસાર ફરિયાદીની પત્નીના નામે રહેલા રોહાઉસ પર ગેરકાયદે પત્રા બાંધી તેનો ઉપયોગ પેઇંગ ગેસ્ટના વ્યવસાય તરીકે કરાતો હોવાનો રિપોર્ટ મ્હાડા કાર્યાલય તરફથી ફરિયાદીને મોકલવામાં આવ્યો હતો અને રોહાઉસ પર કાર્યવાહી કરવામાં આવશે, એવું જણાવાયું હતું. દરમિયાન રોહાઉસ પર કાર્યવાહી ન કરવા માટે રણજિત ચવાણે ફરિયાદી પાસે ચાર લાખ રૂપિયાની લાંચ માગી હતી અને તડજોડને અંતે બે લાખ રૂપિયા સ્વીકારવાની તૈયારી ચવાણે દર્શાવી હતી.
ફરિયાદીએ ગુરુવારે આ અંગે એસીબીમાં ફરિયાદ નોંધાવતાં અધિકારીઓએ છટકું ગોઠવ્યું હતું અને 40 હજાર રૂપિયાની લાંચ સ્વીકારતાં ચવાણને રંગેહાથ પકડી પાડવામાં આવ્યો હતો.