આમચી મુંબઈ

મેટ્રો-ટૂએ અને સેવન કોરિડોરમાં મોડી રાત સુધી રહેશે સર્વિસ

ખેલૈયાઓની વહારે આવી મુંબઈ મેટ્રો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવરાત્રિના મહોત્સવને ધ્યાનમાં રાખીને મુંબઈ મેટ્રો-ટૂએ અને મેટ્રો સેવનના કોરિડોર માટે વિશેષ મેટ્રો સર્વિસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવરાત્રિના મહોત્સવમાં ભાગ લેનારા માટે રાહતના સમાચાર છે, જેમાં ખાસ કરીને વેસ્ટર્ન સબર્બ્સમાં ખેલૈયાઓ રાતે મેટ્રોમાં અવરજવર કરી શકશે. નવરાત્રિમાં લાખો નાગરિકો ઘરની બહાર અવરજવર કરે છે, ત્યારે લોકો સરળતાથી અવરજવર કરી શકે એ સુવિધાને ધ્યાનમાં રાખીને મોડી રાત સુધી મેટ્રોની સર્વિસ ઉપલબ્ધ રહેશે. મુંબઈ મેટ્રો પ્રશાસનની જાહેરાત મુજબ ૧૯મી ઓક્ટોબરથી ૨૩મી ઓક્ટોબર ૨૦૨૩ સુધી મેટ્રો-ટૂએ અંધેરી પશ્ચિમ અને મેટ્રો-સેવનના ગુંદવલી સ્ટેશનથી મેટ્રોની લાસ્ટ સર્વિસ રાતના ૧૨.૨૦ વાગ્યાના સુમારે રવાના કરવામાં આવશે.

નવરાત્રિના મહોત્સવ દરમિયાન ખાસ કરીને પાંચ દિવસ માટે લોકો મોડી રાત સુધી ટ્રાવેલ કરી શકે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેન અને બેસ્ટની બસના માફક ધીમે ધીમે મેટ્રો ત્રણેય (કોરિડોર મેટ્રો વન, ટૂએ, સેવન) ધીમે ધીમે લોકપ્રિય બની રહ્યા છે, જેમાં પ્રવાસીઓની અવરજવરની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

મેટ્રોમાં પ્રવાસ કરનારાની સંખ્યામાં વધારો થયો છે, જેમાં સુરક્ષિત અને ઝડપી મુસાફરીનો વિકલ્પ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ બંને કોરિડોર શરુ કરવામાં આવ્યા પછી કરોડો પ્રવાસીઓ મુસાફરી કરી ચૂક્યા છે, તેથી નવરાત્રિને ધ્યાનમાં રાખીને નવી સર્વિસ દોડાવવામાં આવશે, એમ મેટ્રોના પ્રવક્તાએ જણાવ્યું હતું.૧૯મી ઓક્ટોબરથી ૨૩મી ઓક્ટોબરના રાતના પંદર મિનિટના અંતરે કુલ મળીને ૧૪ વધારાની સર્વિસ ઉપલબ્ધ રહેશે.

હાલના તબક્કે મેટ્રો-ટૂ એ અને સેવન કોરિડોરમાં ગુંદવલીથી અંધેરી પશ્ચિમમાં સોમવારથી શુક્રવારે સવારના ૫.૫૫ વાગ્યાથી રાતના ૧૦.૩૦ વાગ્યા સુધી ૨૫૨ સર્વિસ દોડાવવામાં આવતી હતી. શનિવારે અને રવિવારે ૨૦૫ સર્વિસ દોડાવાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button