મેટ્રોનો પ્રવાસ હાથવગો પ્રવાસીઓને વધારાની સેવા ઉપલબ્ધ કરાવવા માટે આપવામાં આવશે રિસ્ટ બેન્ડ

મુંબઈ: પાકીટમાંથી કાર્ડ કાઢવાની, ખિસ્સામાંથી ફોન કાઢવાની કે પછી મોબાઈલ એપ્લિકેશનો ખોેલવાની ઝંઝટમાં પણ ન પડો તેમ જ કોઇ ક્યુઆર કોડ સ્કેન કરવાની જરૂર નથી, કારણ કે મેટ્રો-વન હવે તેમના પ્રવાસીઓની સુવિધા માટે વધુ એક કલગી ઉમેરી રહી છે. આસાનીથી ગેટમાં પ્રવેશ મેળવી શકાય અને કોઇ પણ ઝંઝટમાં પસાર ન થવું પડે એવા રિસ્ટ બેન્ડનું લોન્ચ કરવામાં આવ્યું છે.
પ્રવાસીઓની સુવિધાને હંમેશાં પ્રાથમિકતા આપવામાં આવતી હોઇ મુંબઈ મેટ્રો-વને એક નવી ટેપ-ટેપ સિસ્ટમને અમલમાં મૂકી છે. પ્રવાસીઓને હવેથી મુસાફરી કરવા માટે ટ્રાવેલ રિસ્ટ બેન્ડ આપવામાં આવશે. મુંબઈ મેટ્રો-વનને શરૂઆતથી જ પ્રમોટ કરવામાં આવ્યું છે. આ પહેલાં પણ પ્રવાસીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અનેક પ્રોડક્ટ્સ ડિઝાઈન કરવામાં આવ્યાં છે. આ પહેલાં પણ કંપનીએ બેંક કોમ્બો કાર્ડ, મોબાઈલ ક્યુઆર ટિકિટ, લોયલ્ટી રિવોર્ડસ પ્રોગ્રામ અને અમર્યાદિત મુસાફરી પાસ જેવા અનેક ટેક્નિકલ સંશોધનોની પહેલ કરી છે. છેલ્લાં ૧૦ વર્ષની કામગીરી તરફ નજર કરીએ તો અહીં અંદાજે ૯૫૦ મિલિયન પ્રવાસીઓ આ સુવિધાનો લાભ લીધો છે. ૨૦૨૨માં મુંબઈ મેટ્રો-વને વ્હોટ્સએપ ઈ-ટિકિટ લોન્ચ કરીને વ્હોટ્સએપ પર ટિકિટ ઓફર કરતી વિશ્ર્વની પ્રથમ લોકપ્રિય અને અનુકૂળ મોબાઈલ મેસેજિંગ એપ્લિકેશન એમઆરટીએસ (માસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ) બની.
પ્રવાસીઓને ઉત્તમ સેવા પ્રદાન કરવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે અને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ પહેલના વિસ્તરણ તરીકે મુંબઈ મેટ્રો-વને ટેપ ટેપ – હાથમાં પહેરી શકાય એવી મેટ્રો ટિકિટનું ઉદ્ઘાટન કર્યું છે. ઉદ્ઘાટન કરતાં સમયે તેની કિંમત રૂ. ૨૦૦ રાખવામાં આવી છે અને બાદમાં તેને તમે રિચાર્જ કરાવી શકો છો. હવે પ્રવાસીઓ પોતાની ટિકિટ હાથમાં લઇ જવાને બદલે હાથમાં પહેરીને જઇ શકે છે. મુંબઈ મેટ્રો-વનના એએફસી ગેટ પર તેમના કાંડા બેન્ડને ટેપ કરી શકે છે. ટેપ-ટેપ એ પર્યાવરણને અનુકૂળ સામગ્રીમાંથી બનાવેલી અનોખી પહેરી શકાય એવી બેન્ડ છે. નવી લોન્ચ કરાયેલી બેન્ડ કાર્બન ફૂટપ્રિન્ટને નોંધપાત્ર રીતે ઘટાડે છે. આ બેટરી વિના ચાલે છે અને વોટરપ્રૂફ પણ છે. ચોમાસામાં પણ આસાન બની રહેશે આ બેન્ડનો ઉપયોગ કરવાનું તેમ જ તેનો ઉપયોગ કરવામાં પણ સહેલાઈ છે. બેન્ડ સિલિકોન આધારિત હોવાથી ત્વચાને પણ નુકસાન પહોંચાડશે નહીં. એવું એમએમ-ઓપીએલના પ્રવક્તાએ જણાવ્યું હતું.ઉ