આમચી મુંબઈ

મેટ્રો-૩: સ્ટેશનના વિસ્તારોમાં વૃક્ષારોપણ માટે કેટલો થશે ખર્ચ?

મુંબઈ: મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિ. (એમએમઆરસીએલ)એ કોલાબા-બાન્દ્રા-સિપ્ઝ મેટ્રો-૩ના માર્ગના સ્ટેશન પરિસરમાં ૨,૯૩૧ વૃક્ષ વાવવાનો નિર્ણય લીધો છે. આ વૃક્ષારોપણ માટે કુલ રૂ. ૧૨.૦૧ કરોડના ત્રણ કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યા છે એટલે કે એક વૃક્ષ લગાવવા માટેનો ખર્ચ રૂ. ૪૧,૦૦૦ થશે.

મેટ્રો-૩ માટે ૩૩.૫ કિમીના વિસ્તારમાં વૃક્ષોની મોટા પ્રમાણમાં કતલ કરવામાં આવી હતી જેનો વિવાદ કોર્ટ સુધી ગયો હતો. ટ્રી ઓથોરિટી તરફથી આ માર્ગ માટે અત્યાર સુધી ૩,૭૭૨ વૃક્ષ કાપવાની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ હકીકતમાં ૩,૦૯૩ વૃક્ષ કાપવામાં આવ્યા હોવાની માહિતી એમએમઆરસીએલ તરફથી આપવામાં આવી હતી.

આ પણ વાંચો : 80 લાખ મહિલાના ખાતામાં જમા થયા લાડકી બહિન યોજનાના રૂ. 3000: એકનાથ શિંદે

આ અંગેનું સોગંદનામું પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. મેટ્રો સ્ટેશનના વિસ્તારમાં વૃક્ષારોપણ માટે ત્રણ કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યા છે. ત્રણ તબક્કામાં વૃક્ષો રોપવામાં આવશે. પ્રથમ તબક્કામાં રોપવાટિકામાં હબે હેક્ટરની જમીન પર વૃક્ષોના છોડ લગાવવા, બીજા તબક્કામાં આ છોડવાઓને વિવિધ જગ્યાએ રોપવામાં આવશે અને ત્રીજા તબક્કામાં ત્રણ વર્ષ સુધી વૃક્ષોની દેખરેખ રાખવા માટેનો કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે.

આ પ્રક્રિયામાં જો કોઇ વૃક્ષ મરી જાય તો તેની જગ્યાએ નવું વૃક્ષ રોપવાની જવાબદારી કોન્ટ્રેક્ટરની રહેશે. આ માટે ૧૨ કરોડ એક લાખ ૬૬ હજાર ૧૨૬ રૂપિયાના ત્રણ કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યા છે. તે પ્રમાણે એક વૃક્ષ પાછળ રૂ. ૪૧,૦૦૦નો ખર્ચ થવાનો હોવાનું એમએમઆરસીએલએ સ્પષ્ટ કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button