બોમ્બે હાઈ કોર્ટે મેહુલ ચોક્સીની અરજીને ફગાવી દીધી…

મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે ઉદ્યોગપતિ મેહુલ ચોકસીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પડકારી અરજીને ફગાવી દીધી હતી. મેહુલ ચોક્સી પર પંજાબ નેશનલ બેંકમાંથી 14,500 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે. આથી EDએ પોતાની અરજીમાં મેહુલને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવાની માંગ કરી હતી.
ચોક્સીએ તેની અરજીઓમાં EDની અરજીમાં અનેક પ્રક્રિયાગત ખામીઓનો દાવો કર્યો હતો અને જણાવ્યું હતું કે EDએ મારી પર જેટલા આરોપો લગાવ્યા છે એ તમામ આરોપ સાચા નથી. ત્યારે સુનાવણી દરમિયાન જસ્ટિસ સારંગ કોટવાલની સિંગલ બેન્ચે કહ્યું હતું કે ED દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કોઈ ખામી જોવા નથી. EDએ જુલાઈ 2018માં એક અરજી દાખલ કરીને ચોક્સીને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવા અને તેની મિલકતો જપ્ત કરવાની માંગ કરી હતી ત્યારે ચોક્સીએ ઓગસ્ટ 2019માં વિશેષ અદાલતના આદેશને બોમ્બે હાઈ કોર્ટમાં પડકાર્યો હતો.
ચોક્સીએ દાવો કર્યો હતો કે એજન્સીએ અરજી દાખલ કરતા પહેલા યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યું નથી અને તેમને બીજી ઘણી ગેરરીતિ કરી છે તેથી તે અમાન્ય છે. પરંતુ બેન્ચે તેના આદેશમાં કહ્યું કે ED દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ફ્યુજીટિવ ઈકોનોમિક ઓફેન્ડર્સ એક્ટમાં નિર્ધારિત ફોર્મેટમાં છે.