મધ્ય રેલવેમાં આજે મેગા બ્લોક
મુંબઈ: મધ્ય રેલવેમાં રવિવારે વિવિધ એન્જિનિયરિંગ અને જાળવણીના કામો માટે સવારે ૧૧.૦૫ વાગ્યાથી સાંજે ૩.૫૫ વાગ્યા સુધી બ્લોક હાથ ધરવામાં આવવાનો છે. રવિવારે લેવામાં આવતા બ્લોક વિશે રેલવે પ્રશાસને માહિતી જાહેર કરી છે.
રેલવે પ્રશાસને આપેલી માહિતી મુજબ રવિવારે મધ્ય રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ (સીએસએમટી)થી રવાના થનારી દરેક લોકલ ટ્રેનોને સવારે ૧૦.૨૫થી ૩.૩૫ વાગ્યા સુધી માટુંગા અને મુલુંડ સ્ટેશનોની સ્લો લાઇન પર દોડાવવામાં આવશે. આ લાઇન પર દોડનારી દરેક ટ્રેનોને આ બે સ્ટેશનો પર પણ ઊભી રાખવામા આવશે જેથી ટ્રેનો ૧૫ મિનિટ સુધી મોડી પડે એવી શક્યતા છે. થાણેથી આગળ જતી ફાસ્ટ ટ્રેનોને મુલુંડ પછી ફરી ફાસ્ટ લાઇન પર દોડાવવામાં આવશે, એવી માહિતી રેલવેએ આપી છે.
આ બ્લોકમાં અપ માર્ગની થાણેથી સીએસએમટી જતી ફાસ્ટ ટ્રેનોને ૧૦.૫૦થી ૩.૪૬
વાગ્યા સુધી માટુંગા અને મુલુંડ સ્ટેશનોની વચ્ચે ઊભી રહેવાની સાથે સ્લો લાઇનમાં ચલાવવામાં આવશે જેથી ટ્રેનોની સેવા પર અસર થશે. બ્લોક પહેલાની સીએસએમટી-બદલાપુર ૧૦.૨૦ વાગ્યે અને બ્લોક પછીની સીએસએમટી-બદલાપુર ૩.૩૯ વાગ્યે રવાના થશે. સીએસએમટીથી અંબરનાથ જતી ટ્રેન સવારે ૧૧.૧૦ વાગ્યે રવાના થશે અને બ્લોક પછીની સીએસએમટીથી આસનગાવ ટ્રેન ૪.૪૪ વાગ્યે રવાના થશે
રવિવારના આ બ્લોક હાર્બર લાઇનમાં પણ લેવામાં આવવાનો છે. હાર્બર લાઇનની અપ માર્ગમાં પનવેલથી સીએસએમટી જતી સવારે ૧૦.૩૩થી બપોરે ૩.૪૯ વાગ્યા સુધીની લોકલને રદ રાખવામાં આવશે. તેની સાથે ડાઉન હાર્બર લાઇનની પનવેલ/બેલાપુરથી સીએસએમટી જતી સવારે ૯.૪૫થી ૩.૧૨ વાગ્યા સુધીની લોકલ ટ્રેનોને પણ રદ કરવામાં આવવાની છે.
અપ ટ્રાન્સહાર્બર માર્ગ પર પનવેલથી થાણે જતી સવારે ૧૧.૦૦થી બપોરે ૩.૫૩ વાગ્યા સુધીની અને ડાઉન ટ્રાન્સહાર્બર માર્ગમાં થાણેથી પનવેલ જતી બધી લોકલ ટ્રેનોને ૧૦.૦૦ વાગ્યાથી ૩.૨૦ વાગ્યા સુધી બંધ રાખવામા આવશે.
ડાઉન હાર્બર સીએસએમટીથી પનવેલ હાર્બર લાઇનની પહેલાની લોકલને સવારે ૯.૩૦ વાગ્યે અને બ્લોક પછીની પહેલી લોકલ બપોરે ૩.૧૬ વાગ્યે રવાના થશે. અપ હાર્બર લાઇનમાં બ્લોક પહેલાની છેલ્લી પનવેલ-સીએસએમટી લોકલ સવારે ૧૦.૧૭ વાગ્યે અને બ્લોક પછીની પહેલી પનવેલ-સીએસએમટી લોકલ સાંજે ૪.૧૦ વાગ્યે રવાના થશે.
ડાઉન ટ્રાન્સહાર્બરમાં થાણે-પનવેલ માટે બ્લોક પહેલાની છેલ્લી લોકલ સવારે ૯.૩૯ વાગ્યે અને બ્લોક પછીની પહેલી લોકલ સાંજે ૪.૦૦ વાગ્યે થાણેથી રવાના થશે. ડાઉન ટ્રાન્સહાર્બરમાં પનવેલ-થાણેની બ્લોક પહેલાની છેલ્લી લોકલ સવારે ૧૦.૪૧ વાગ્યે અને બ્લોક પછીની પહેલી લોકલ ૪.૨૬ વાગ્યે રવાના થશે.
આ બ્લોક દરમિયાન સીએસએમટી અને વાશી દરમિયાન વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. તેમ જ ટ્રાન્સહાર્બરની થાણે-વાશી-નેરૂળ સ્ટેશનો વચ્ચે દરેક સેવાઓ શરૂ રાખવામા આવશે. આ સાથે બેલાપુર/નેરૂળ અને ખારકોપર સ્ટેશનો દરમિયાન કોઈ સેવાઓ રદ કરવામાં આવશે નહીં. રવિવારે પશ્ર્ચિમ રેલવે ખાતે કોઈ પણ વિશેષ બ્લોક હાથ ધરવામાં આવ્યો નથી.