દૂધના ભાવવધારા પરની બેઠક નિષ્ફળ: પુરવઠો ખોરવાય એવી શક્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં દૂધની ખરીદીના ભાવમાં વધારો કરવાનો આદેશ દૂધ સંઘોએ નકારી કાઢ્યો હોવાથી રાજ્યના દૂધ ઉત્પાદકો નારાજ થયા છે અને 24 તારીખે તેમણે આંદોલન કરવાનો નિર્ણય લીધો હોવાથી દૂધનો પુરવઠો ખોરવાય એવી શક્યતા ઊભી થઈ છે.
રાજ્યમાં દૂધના સંઘો અને કંપનીઓેએ સાંઠગાંઠ કરીને દૂધના ભાવ ઘટાડી નાખ્યા હોવાથી નારાજ થયેલા દૂધના ઉત્પાદક ખેડૂત સંઘર્ષ સમિતિએ સહ્યાદ્રી ગેસ્ટ હાઉસની બહાર સરકારી આદેશની હોળી કરી હતી. વાસ્તવમાં ખેડૂતોને રાહત આપવા માટે રાજ્ય સરકારે આ વિવાદમાં હસ્તક્ષેપ કર્યો હતો અને દૂધના ભાવમાં વારંવાર થતી ચડ ઉતરને કારણે થતી અસ્થિરતા બંધ કરવા માટે ડેરી ડેવલપમેન્ટ વિભાગ દ્વારા દૂધની ખરીદી દર નિર્ધારિત કરવા માટેની સમિતિ ગઠિત કરવામાં આવી હતી.
ખાનગી અને સહકારી દૂધ સંઘ અને દૂધ કંપનીઓના પ્રતિનિધિ તેમ જ સરકારી અધિકારીનો આ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. કંપનીઓએ દર ત્રણ મહિને દૂધની ખરીદીના દર નક્કી કરવા અને સંઘો તેમ જ કંપનીઓએ આ દર ખેડૂતોને આપવા એવું નક્કી કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે દૂધને માટે રૂ. 34 પ્રતિલિટરનો દર આપવો એવો આદેશ બહાર પાડ્યો હતો, પરંતુ દૂધ સંઘોએ સરકારી આદેશને કચરાની ટોપલીમાં પધરાવતાં ખેડૂતોને દૂધ માટે ફક્ત રૂ. 27 પ્રતિ લિટરનો દર આપવાનું નક્કી કર્યું હતું.
આ નિર્ણય સામે ખેડૂતોએ આંદોલન કરવાની ચેતવણી ઉચ્ચારી હતી, પરંતુ આંદોલન થાય તે પહેલાં રાજ્યના દૂધ વિકાસ ખાતાના પ્રધાન રાધાકૃષ્ણ વિખે-પાટીલે બેઠક બોલાવી હતી. દૂધ સંઘોએ સરકાર દ્વારા નિર્ધારિત દર ખેડૂતોને આપવાનો સાફ નનૈયો ભણ્યો હોવાથી બેઠક નિષ્ફળ ગઈ હતી.
બેઠકમાં દૂધમાં થતી ભેળસેળ તેમ જ ખેડૂતોની થનારી છેતરપિંડી રોકવા માટેના બધા જ અધિકાર દૂધ વિકાસ ખાતાને આપવાની માગણી કરવામાં આવી હતી. આવી જ રીતે સરકારી આદેશનો અમલ બંધનકારક કરવાની માગણી પણ કરવામાં આવી, પરંતુ આ બંને મુદ્દા પર રાજ્ય સરકાર કોઈ સમાધાનકારક જવાબ આપી શકી નહોતી.