મઝગાંવ બાબુ ગેનુ મંડઈ અકસ્માત કેસ: મ્યુનિસિપલ એન્જિનિયર નિર્દોષ
![Mazgaon Babu Genu Mandai Accident Case: Municipal Engineer acquitted](/wp-content/uploads/2024/07/Mazgaon-accident-780x470.webp)
મુંબઈ: સેશન્સ કોર્ટે કેસ ચલાવવા માટે જરૂરી મંજૂરીના અભાવે મઝગાંવમાં બાબુ ગેનુ પાલિકા માર્કેટની બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનાના સંબંધમાં મ્યુનિસિપલ એન્જિનિયરને નિર્દોષ જાહેર કર્યા છે. સેશન્સ કોર્ટે આ નિર્ણય એટલા માટે આપ્યો કારણ કે મ્યુનિસિપલ પ્રશાસને પાલિકાના આયોજન અને પ્લાનિંગ વિભાગ સાથે સંકળાયેલા આસિસ્ટન્ટ એન્જિનિયર મધુકર રેડેકર સામે ફોજદારી પગલાં લેવાનો ઈન્કાર કર્યો હતો. અગિયાર વર્ષ પહેલાં બનેલા આ અકસ્માતમાં 61 લોકોના મોત થયા હતા અને 31 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ ચાર માળની ઈમારત 27 સપ્ટેમ્બર 2013ના રોજ ધરાશાયી થઈ હતી. ત્યારબાદ મ્યુનિસિપલ ઓફિસર પૃથ્વીરાજ ચવ્હાણની ફરિયાદ બાદ શિવડી પોલીસ સ્ટેશનમાં આ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો. મકાનના ભોંયતળિયે રહેતા ભાડુઆત અશોકકુમાર મહેતાએ મંડપ શણગારના સાધનો અને સામગ્રી વગેરેનો સંગ્રહ કરવા માટે ગેરકાયદેસર રીતે મકાનની રચનામાં ફેરફાર કર્યો હતો. જેના કારણે બિલ્ડીંગના પિલર અને કોલમને નુકસાન થયું હતું. પરિણામે ઈમારત ધરાશાયી થઈ હોવાનો આક્ષેપ કરાયો હતો.
અકસ્માત સમયે રેડેકર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે કામ કરતા હતા. રેડેકરને ખબર હતી કે ઈમારત જર્જરિત હાલતમાં છે. ઉપરાંત તેમના ઉપરી અધિકારીઓને તે વિશે જાણ કરવાની તેમની ફરજ હતી. પોલીસે તેના પર આરોપ લગાવ્યો હતો કે તેણે કાર્યવાહી કરી નહોતી. પોલીસે તેની સામે એફઆઈઆર પણ દાખલ કર્યો હતો. પોલીસે ચવ્હાણ સામે ફરજમાં બેદરકારી દાખવવાનો કેસ પણ નોંધ્યો હતો. જો કે મ્યુનિસિપલ વહીવટીતંત્રે તેમની સામે કેસ ચલાવવાની મંજૂરી આપી ન હોવાના આધારે કોર્ટે તેમને આ કેસમાંથી નિર્દોષ જાહેર કર્યા હતા.
આ પણ વાંચો : મુંબઈગરાઓ તમને લાગે છે કે તમે જ નાના ઘરમાં રહો છો…તો જૂઓ આ વીડિયો
ચવ્હાણના નિર્દોષ છુટવાના પગલે રેડેકરે સેશન્સ કોર્ટમાં નિર્દોષ છુટવા અરજી કરી હતી. પોલીસે રેડેકર સામે કાર્યવાહી કરવાની પરવાનગી લીધી ન હતી. મૂળ તો મ્યુનિસિપલ વહીવટીતંત્રે તે આપ્યું ન હતું. આથી રેડેકરે એવી પણ માગણી કરી હતી કે કાર્યવાહી માટે જરૂરી મંજૂરીના અભાવે રેડેકરને કેસમાંથી નિર્દોષ છોડવામાં આવે. સેશન કોર્ટે તેમની માંગણી સ્વીકારી હતી અને તેમને કેસમાંથી મુક્ત કર્યા હતા.