બોલો! સદી જુના પાલિકા સભાગૃહમાં નવા ચૂંટાયેલા નગરસેવકોને બેસવા માટે જગ્યા જ નથી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ લગભગ ચાર વર્ષ પછી, નવા ચૂંટાયેલા નગરસેવકો સામાન્ય પાલિકાના સભાગૃહમાં પાછા ફર્યા, પરંતુ તેમને જાણવા મળ્યું કે સદી જૂના સભાગૃહમાં પૂરતી બેઠક વ્યવસ્થા નથી. મેયરની ચૂંટણીના દિવસે કોંગ્રેસના ૨૪ ચૂંટાયેલા નગરસેવકોને હોલની અંદર બેસવા માટે જગ્યા નહીં મળતા ઊભા રહેવું પડયુ હતું અને તેને કારણે થયેલા હોબાળા બાદ પાલિકા પ્રશાસને હવે નિયમિત કાર્યવાહી શરૂ થાય તે પહેલાં આ મુદ્દાને ઉકેલવા માટે પ્રયત્નશીલ બની છે.
શુક્રવારે, મેયર રીતુ તાવડેએ સામાન્ય સભાગૃહમાં બેઠક વ્યવસ્થા અંગે ચર્ચા કરવા માટે પાલિકાના તમામ રાજકીય પક્ષોના જૂથ નેતાઓ સાથે સંયુક્ત બેઠક બોલાવી હતી. ભાજપના જૂથ નેતા ગણેશ ખાનકરે કહ્યું હતું કે, “ ગૃહમાં બેઠક વ્યવસ્થા અપૂરતી અને અસ્વસ્થતાપૂર્ણ છે. અમે અધિકારીઓને વધારાની બેન્ચ ઇન્સ્ટોલ કરી શકાય છે કે કેમ તે તપાસવા જણાવ્યું છે. અમને અપેક્ષા છે કે ફેરફારો ૧૫ દિવસમાં લાગુ કરવામાં આવશે.”
શિવસેના (UBT) ના જૂથ નેતા અને ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરે જણાવ્યું હતું કે, “ગૃહમાં હાલની બેઠક વ્યવસ્થા ૨૨૭ નગરસેવક, પાલિકાના અધિકારીઓ અને મ્યુનિસિપલ સેક્રેટરી વિભાગના કર્મચારીઓ સહિત ૨૫૦ લોકોને સમાવવા માટે બનાવવામાં આવી છે. હવે જ્યારે નામાંકિત નગરસેવકની સંખ્યા વધીને ૧૦થઈ ગઈ છે, તો તેઓ ક્યાં બેસશે?
કોંગ્રેસના જૂથ નેતા અશરફ આઝમીએ જણાવ્યું હતું કે, “મેયરની ચૂંટણીના દિવસે, કોંગ્રેસના નગરસેવકોએ સમગ્ર કાર્યવાહી દરમિયાન ઊભા રહેવું પડ્યું કારણ કે કોઈ બેઠક ખાલી નહોતી. હવે જ્યારે ગૃહ આવતા અઠવાડિયાથી કાર્યરત થશે, ત્યારે યોગ્ય બેઠક વ્યવસ્થા કરવી જોઈએ.”
૧૮૯૩ માં ૬૪ નગરસેવકો સાથે સ્થાપિત, સભાગૃહ(હોલ) પાલિકાનાના રાજકીય ઇતિહાસનું એક પ્રતિક છે. ગૃહની સંખ્યા ૧૯૬૩માં ૬૪ કોર્પોરેટરોથી વધીને ૧૪૦, ૧૯૮૨માં ૧૭૦ અને ૨૦૦૨માં ૨૨૭ થઈ ગઈ, જે યથાવત છે. ૨૦૨૩ના સુધારા પછી, નામાંકિત કોર્પોરેટરોની સંખ્યા પાંચથી વધીને ૧૦ થઈ ગઈ. હોલમાં વાર્ષિક બજેટ અને સામાન્ય સભાઓ સહિત મુખ્ય કાર્યવાહીનું આયોજન કરવામાં આવે છે, જ્યાં નગરસેવકો મુંબઈના વિકાસના લગતાં પ્રસ્તાવ પર ચર્ચા કરે છે અને મુખ્ય ઠરાવો પસાર કરે છે.



