માટુંગાનો ઝેડ બ્રિજ ત્રણ મહિના બંધ
મુંબઇ: માટુંગાનો ઝેડ પેડેસ્ટ્રિયન બ્રિજ સમારકામ માટે ત્રણ મહિના માટે બંધ કરવામાં આવ્યો છે. આથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પશ્ર્ચિમ રેલવેના માટુંગા સ્ટેશનથી મધ્ય રેલવેના માટુંગા રેલવે સ્ટેશન પહોંચવા માટે મુસાફરોએ દાદર સ્ટેશનેથી ફરીને આવવું પડશે.
દાદર દિશાના એકમાત્ર બ્રિજને પગથિયાંના સમારકામ માટે ડિસેમ્બરમાં બંધ કરી દેવામાં આવ્યો હતો. હવે ઝેડ બ્રિજ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજનું સમારકામ પ્રધાનમંત્રી ગતિશક્તિ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવશે. મુસાફરોને સ્ટેશનમાં પ્રવેશવા માટે કબૂતર ઘર પાસેનો ફૂટઓવર બ્રિજ એકમાત્ર વિકલ્પ છે. માટુંગા સ્ટેશને આવવા-જવા માટે મુસાફરોને આખુ પ્લેટફોર્મ ચાલવાની તકલીફ સહન કરવી પડશે.માટુંગા પૂર્વ અને પશ્ર્ચિમ દિશાને જોડતો ઝેડ બ્રિજ બંધ થવાને કારણે પૂર્વથી પશ્ર્ચિમ તરફ જવા માટે અઢી કિલોમીટરનો ચક્કર લેવો પડે છે. રેલવે સ્ટેશનના અધિકારીઓએ આગાહી કરી છે કે બ્રિજ ત્રણ મહિનાથી વધુ સમય સુધી બંધ રહેશે. ઝેડ બ્રિજ બંધ હોવાથી મુસાફરોને માટુંગા રોડથી દાદર આવવું પડે છે. આથી યોગ્ય આયોજન કર્યા બાદ જ સમારકામની કામગીરી હાથ ધરવી જોઈએ. મધ્ય રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તેવી મુસાફરોની માગ છે.