શહાપૂરમાં પ્લાસ્ટિકની ફેકટરીમાં ભીષણ આગ

(અમારા પ્રતિનિધી તરફથી)
થાણે: થાણે જિલ્લાના શહાપુરમાં આવેલા ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં આવેલા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ યુનિટમાં સોમવારે સવારના ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ શાહપુર તાલુકના આસનગાંવમાં સવારે ૧૦ વાગ્યાની આસપાસ પ્લાસ્ટિકની વસ્તુઓનું ઉત્પાદન કરનારી ફેકટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટના સ્થળે તરત ફાયરબ્રિગેડ પહોંચી ગઈ હતી.
ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં પ્લાસ્ટિકની વસ્તુઓનું ઉત્પાદન થતું હતું. ઘટના સ્થળે ફાયરબિગ્રેડના બે વોટર ટેન્કરે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
યુનિટમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનું રો મટિરિયલ હોવાથી આગ ભીષણ પ્રમાણ લાગી હતી અને આગના ધુમાડા પણ મોટા પ્રમાણમાં નીકળી રહ્યા હતા અને પ્લાસ્ટિક હોવાથી ગંદી વાસ પણ આવી રહી હતી. તેથી ફાયરબ્રિગેડને આગ બુઝાવવાની કામગીરીમાં ભારે અડચણ આવી હતી. તકેદારીના પગલારૂપે મેન્યુફેક્ચરિંગ યુનિટની આજુબાજુ આવેલા રહેણાંક વિસ્તારમાંથી લોકો હટાવવામાં આવ્યા હતા અને જગ્યા પૂરી ખાલી કરાવી દેવામાં આવી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. તપાસ બાદ જ ચોક્કસ કારણ બહાર આવશે. જોકે પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.