ગિરગામમાં ચાર માળની ઈમારતમાં ભીષણ આગ: સો વર્ષ જૂની ઈમારતમાં લાકડાનું બાંધકામ વધુ હતું
બીમાર માતાને છોડી જવાનો જીવ ન ચાલ્યો ને માતા-પુત્રનું કરૂણ મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગિરગામ ચોપાટીમાં આવેલી ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની બિલ્િંડગમાં ત્રીજા માળે શનિવારે રાતના લાગેલી ભીષણ આગમાં મા-દીકરાનું મૃત્યુ થયું હતું. મૃતકમાં ૬૦ વર્ષના કેમિસ્ટ ધીરેન શાહ અને તેમના ૮૨ વર્ષના માતા નલિની શાહનો સમાવેશ થાય છે. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું, પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. આ બિલ્ડિંગમાં મોટાભાગના પરિવાર ગુજરાતી છે.
વ્યવસાયે કેમિસ્ટ મૃતક ધીરેન શાહ ગાયવાડીમાં દુકાન ધરાવતા હતા. તેમના ૮૦ વર્ષના માતા નલિની શાહ લાંબા સમયથી બીમાર હોઈ પથારીવશ હતા. આગ લાગ્યા બાદ તેમના પરિવારના સભ્ય ઘરની બહાર જીવ બચાવવા નીકળી ગયા હતા, પરંતુ માતાને એકલી મૂકતા પુત્રનો જીવ ચાલ્યો નહોતો અને તેઓ ઘરમાં માતા પાસે જ રહ્યા હતા અને આગમાં મા-દીકરાનું કમભાગી મૃત્યુ થયું હતું.
ગિરગામ ચોપાટીમાં રાંગણેકર રોડ પર ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની લગભગ સો વર્ષ જૂની જેઠાભાઈ ગોવિંદજી બિલ્ડિંગ આવેલી છે. શનિવારે રાતના લગભગ નવ વાગ્યાની આસપાસ બિલ્િંડગના ત્રીજા માળે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતા ફાયરબ્રિગેડના આઠ ફાયર એન્જિન, છ જંબો ટેન્કર સહિત ૧૫ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
આગ લાગી ત્યારે ઈમારતમાં અંદર અનેક રહેવાસીઓ ફસાઈ ગયા હતા. ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી ચાલુ કરી હતી. આ દરમિયાન અનેક રહેવાસી બિલ્ડિંગની બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, જેમાં મૃતક શાહના પરિવારના સભ્યો પણ બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. જોકે ધીરેન બહાર નીકળવાને બદલે થોડા સમય પહેલા જ હૉસ્પિટલથી ઘરે પાછા ફરેલા અને પથારીમાં રહેલા માતા પાસે રહેવાનું નક્કી કર્યું હતું.
ફાયરબ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ શાહનો સંયુક્ત પરિવાર અહીં એક રૂમમાં રહેતો હતો. આ બિલ્ડિંગમાં આગ લાગ્યા બાદ બાજુમાં રિડેવલપ થઈ રહેલી બહુમાળી માળીય ઈમારત તેને અડીને આવેલી હતી, તેને જોડતું એક પાટિયું મૂકવામાં આવ્યું હતું અને તેના દ્વારા બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે હિરેન શાહ આગ લાગ્યા બાદ પોતાની માતાને એકલી મૂકીને આ પાટિયા પરથી બાજુમાં આવતા અચકાઈ રહ્યા હતા. તેમનો અંદાજ એવો હતો કે આગ સમયસર બુઝાવીને તેમને બચાવી લેવાશે. જોકે આગ બુઝાવવામાં સફળતા મળે તે પહેલા જ આગ તેમને ભરખી ગઈ હતી.
બિલ્ડિંગના રહેવાસીઓના કહેવા મુજબ બિલ્િંડગ લગભગ સો વર્ષથી જૂની હોવાની સાથે જ ઈમારતમાં લાકડાનું પ્રમાણ વધુ હતું. તેથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. ઈમારત જૂની હોવાથી તેમાં ફાયર ફાઈટિંગ સિસ્ટમ પણ બેસાડેલી નહોતી.
આ દરમિયાન આગ ઝડપભેર ચોથા માળ સુધી ફેલાઈ ગઈ હતી અને પૂરી બિલ્િંડગમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. આગ બાદ ઈમારતમાં ફસાયેલા નવ રહેવાસીઓ બચાવી લેવામાં આવ્યા હતા.
લગભગ સાડા છ કલાકની જહેમત બાદ વહેલી સવારના ૩.૩૫ વાગે આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. જોકે કુલિંગ ઓપરેશન મોડે સુધી ચાલુ હતું. આગ લાગ્યા બાદ વીજ પુરવઠો ખંડિત થઈ ગયો હોવાની સાથે જ ઈમારતને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાથી ઈમારતના રહેવાસીઓને તાત્પૂરતા સમય માટે અન્ય જગ્યાએ રહેવું પડવાનું છે.
ફાયરબ્રિગેડના કહેવા મુજબ આગનું ચોક્કસ કારણ જાણી શકાયુ નહોતું. પરંતુ પ્રાથમિક તપાસમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલા ઈલેક્ટ્રિક બોક્સમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. આ બિલ્ડિંગમાં દરેક માળા પર ચાર ફ્લેટ આવેલા છે.
પર્યાયી ઘર લેવાનો ઈનકાર
આ બિલ્ડિંગ લગભગ સો વર્ષથી વધુ જૂની હોવાને કારણે ફાયર સેફટી સિસ્ટમ તેમાં બેસાડેલી નહોતી. તેમ જ કોરોના મહામારી પહેલા લગભગ ૨૦૧૬ની આસપાસ ઈમારતનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન મ્હાડાના અધિકારીએ ઘટનાસ્થળે પહોંચીને તેમને પર્યાયી ઘરની ઓફર આપી હતી. જોકે તેમને પર્યાયી ઘર દક્ષિણ મુંબઈને બદલે ચુનાભટ્ટીમાં ટ્રાન્ઝિટ કેમ્પમાં જગ્યા આપવામાં આવવાના હોવાથી અનેક રહેવાસીઓએ ઈનકાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.