પાલઘરમાં વોલપેપરના ગોડાઉનમાં ભીષણ આગ: કોઈ જાનહાનિ નહીં

મુંબઈ: પાલઘર જિલ્લામાં ઈન્ડ્રસ્ટ્રિયલ વિસ્તારમાં આવેલી વોલપેપરની ફેકટરીના ગોડાઉનમાં મંગળવારે મોડી સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં મોટા પ્રમાણમાં રાખવામાં આવેલા માલ-સામાનને નુકસાન થયું હતું. આગ એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી ધુમાડા દેખાઈ રહ્યા હતા.
પાલઘર ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ વિવેકાનંદ કદમના જણાવ્યા મુજબ મંગળવારે તારાપુરના બોઈસર ઈન્ડસ્ટ્રિયલ ઍરિયામાં આવેલા ગોડાઉનમાં મંગળવારે સાંજે સાત વાગ્યાની આસપાસ આગ લાગી હતી, જ્યાં આજુબાજુમાં કેમિકલ યુનિટ પણ આવેલા છે.
આગ એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટા દેખાઈ રહ્યા હતા. આગની જાણ થતા જ ફાયરબ્રિગેડના ચાર ફાયર ઍન્જિન ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. મંગળવારે મોડી રાતના લગભગ બે વાગ્યાની આસપાસ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. જોકે કુલિંગ ઓપરેશન બુધવાર બપોરના મોડે સુધી ચાલ્યું હતું.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ગોડાઉનમાં પોલિવિનાયલ ક્લોરાઈડ વોલપેપર અને કાર્પેટ રાખવામાં આવ્યા હતા, તેને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. આગમાં ગોડાઉનમાં રહેલું આ તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. પોલીસ આ બાબતે તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)