મહારાષ્ટ્રના આ ગામમાં મંગળવારે વિધાનસભાની ફેરચૂંટણી, ગ્રામજનો સીધા બેલેટ પેપર પર મતદાન કરશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સોલાપુર જિલ્લાના માલશિરસ મતવિસ્તારમાં આવેલું મરકડવાડી ગામ હાલ ચર્ચામાં છે. આ બેઠક પરથી શરદ પવાર જૂથના ઉત્તમરાવ જાનકર જીત્યા છે. પરંતુ મરકડવાડી ગામમાં મહાયુતિના રામ સાતપુતેને સારા મત મળ્યા હતા, જેને કારણે શંકા જતાં ગ્રામજનોએ ત્યાં બેલટ પેપર પર ફરી મતદાન કરવાની તૈયારી દર્શાવી છે. ગામલોકોએ માહિતી આપી છે કે મંગળવારે 3 ડિસેમ્બરે મરકડવાડી ગામમાં મતદાન પ્રક્રિયા યોજાશે, પરંતુ પ્રશાસને તેનો વિરોધ કર્યો છે. આથી ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ કલમ 163 બીજી તારીખથી પાંચમી તારીખ સુધી લાગુ કરવામાં આવી છે.
આ પણ વાંચો : અમિત શાહે મંત્રી પદ માટે ઇચ્છુક ધારાસભ્યોના રિપોર્ટ કાર્ડ દિલ્હી મંગાવ્યા
ગ્રામજનોને શંકા છે કે ઉત્તમ જાનકરના મતો ઘટવા પાછળ ઈવીએમનું કાવતરું છે. મરકડવાડીમાં જ્યારે 80 ટકા મતદાન જાનકરની તરફેણમાં થયું હતું, ત્યારે ઈવીએમમાંથી અલગ આંકડા બહાર આવી રહ્યા છે. ચૂંટણીમાં રામ સાતપુતેને 843 વોટ મળ્યા, જ્યારે જાનકરને 1003 વોટ મળ્યા. આ મત અંગે ગ્રામજનોને શંકા છે. તેથી ગ્રામજનોએ ફરીથી બેલેટ પેપર પર મતદાન પ્રક્રિયા હાથ ધરીને ઈવીએમ સાથેની છેડછાડનો પર્દાફાશ કરવાનો નિર્ણય લીધો છે. ગ્રામજનોનું કહેવું છે કે સાતપુતેને મળેલા 843 મતો શંકાસ્પદ છે અને તેમને ગામમાંથી 100-150થી વધુ મત મળવા ન જોઈએ.
આ પણ વાંચો : શરદ પવારના મગજમાં શું ચાલી રહ્યું છે?
બેલટ પેપર પર મતદાન માટે ગામમાં હોર્ડિંગ લગાવીને મતદાન જેવી તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માટે જરૂરી બેલેટ પેપર છપાઈ ગયા છે, અને ગામના દરેકને આ ચૂંટણીમાં તેમણે જે વ્યક્તિને મત આપ્યો છે તેને મત આપવા વિનંતી કરવામાં આવશે. મરકડવાડી એ રાજ્યનું પહેલું ગામ છે, જેણે બેલટ પેપર પર સીધું મતદાન કરીને ‘દૂધ કા દૂધ, પાણી કા પાણી’ કરવાનું પગલું ભર્યું છે કારણ કે રાજ્યના મોટાભાગના નેતાઓએ ઈવીએમ અંગે શંકા વ્યક્ત કરવાનું શરૂ કર્યું છે. હવે આવતીકાલે આ ગામમાં શું થશે તેના પર સૌનું ધ્યાન રહેશે.