બાંદ્રામાં 71.67 લાખ રૂપિયાનો ગાંજો પકડાયો: ડ્રાઇવરની ધરપકડ…

મુંબઈ: બાંદ્રા વિસ્તારમાં આવેલી ચાલના ઘરમાં છુપાવી રાખવામાં આવેલો 71.67 લાખ રૂપિયાનો ગાંજો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડીને ડ્રાઇવરની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ ઇમરાન કમાલુદ્દીન અન્સારી (36) તરીકે થઇ હોઇ તે તાડદેવ વિસ્તારમાં રહે છે અને ડ્રાઇવર તરીકે કામ કરે છે. આરોપી અન્સારીને સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેને પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.
આ પણ વાંચો : ગુનાઓ પર નિયંત્રણ માટે થાણે પોલીસે કરી નવતર પહેલ, સીસીટીવી સર્વેલન્સ પહેલ શરૂ…
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-9ના અધિકારીઓને માહિતી મળી હતી કે બાંદ્રા પશ્ર્ચિમમાં કે. સી. રોડ ખાતેની ચાલ નંબર-30ની એક રૂમમાં ગાંજાનો જથ્થો છુપાવી રાખવામાં આવ્યો છે. આથી પોલીસની ટીમે મંગળવારે ઉપરોક્ત રૂમમાં રેઇડ પાડી હતી, જ્યાંથી આરોપીને તાબામાં લેવાયો હતો અને 71.67 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કરાયો હતો.
આરોપી વિરુદ્ધ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. તેણે ગાંજાનો જથ્થો બાંદ્રા તેમ જ દક્ષિણ મુંબઈમાં વેચવા માટે ઉપરોક્ત રૂમમાં છુપાવી રાખ્યો હતો, એવું તપાસમાં બહાર આવ્યું હતું.