મરાઠી V/S ગુજરાતી ઘાટકોપરમાં ફરી એક ગુજરાતી બોર્ડને તોડવામાં આવ્યું
(જયપ્રકાશ કેળકર)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ફરી એક વખત મરાઠી-ગુજરાતી વિવાદ વકરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં આવેલી એક સોસાયટીના ગેટ પર લગાવવામાં આવેલા ગુજરાતી બોર્ડને મરાઠી નેમ પ્લેટના મુદ્દાને ઉઠાવીને મનસેના કાર્યકર્તાઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે આ પહેલાં ઘાટકોપરમાં પાલિકા સંચાલિત ગાર્ડનમાં ‘મારું ઘાટકોપર’ લખેલા બોર્ડની તોડફોડ કરવામાં આવી હતી. હવે અન્ય એક રસ્તા પર ગુજરાતીમાં લખવામાં આવેલા આર. બી. મહેતા માર્ગના બોર્ડને તોડી નાખવામાં આવ્યું હતું. આનો વિરોધ કરવા માટે ઘાટકોપરના ગુજરાતીઓ અને ભાજપના કાર્યકર્તા દ્વારા તોડી પાડવામાં આવેલા બોર્ડ પાસે દેખાવો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાજપના પ્રવક્તા ભાલચંદ્ર શિરસાટે શિવસેના (ઉબાઠા)ના નેતાને પડકાર ફેંક્યો હતો કે બાજુમાં જ આવેલા માનખુર્દમાં બધા પાટિયા ઉર્દુ ભાષામાં છે તેને તોડવાની હિંમત દેખાડવામાં આવે.
વિક્રાંત સર્કલ વિસ્તારમાં આ આર.બી. મહેતા માર્ગ લખેલું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. આ બોર્ડને તોડી પાડવામાં આવ્યું હોવાના અહેવાલો વહેતા થતા ગુજરાતીઓમાં નારાજગી ફેલાઈ હતી.
આ આખો વિવાદ ઘાટકોપર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. મનસેના કાર્યકર્તાઓ દ્વારા બોર્ડની તોડફોડ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકરણે પોલીસે ત્રણ જણની ઓળખ કરી છે. હવે આ પ્રકરણે પોલીસ કોઈ કાર્યવાહી કરે છે કે નહીં તે જોવાનું રહેશે. અત્યારે તો શિવસેના (ઉબાઠા) અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ચાલી રહેલી દોડમાં ગુજરાતીમાં લખવામાં આવેલા પાટિયાંને નિશાન બનાવવામાં આવી રહ્યાનું જોવા મળી રહ્યું છે.