મરાઠી પાટિયાં દુકાનદારો હવે બોર્ડના બદલે બેનર લગાવે છે
મુંબઈ: દુકાનો પર દેવનાગરી મરાઠીમાં બોલ્ડ અક્ષરમાં પાટિયાં લગાવવાનો નિર્દેશ સુપ્રીમ કોર્ટે આપ્યા બાદ તેની મુદત પચીસમી નવેમ્બરે થઇ હોવાથી થાણેમાં અનેક દુકાનોમાં મોંઘાં ડિજિટલ બોર્ડ પર સસ્તા બેનર લગાવવાનું વલણ અપનાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારે શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ કાયદો ૨૦૧૭ અંતર્ગત મરાઠી દેવનાગરી લિપિના ફોન્ટ નાના ન હોવા જોઇએ, એવી નિયમાવલીને જાહેર કરી હતી. આથી માત્ર મરાઠી નામ દર્શાવવા માટે મોટા ભાગની દુકાનો, હોટેલો, રેસ્ટોરાં અને મોટી મોટી સંસ્થાઓએ ઉક્ત વિકલ્પને સ્વીકાર્યો હતો.થાણેના નૌપાડા, પાચપખાડી, સ્ટેશન રોડ વિસ્તાર, કોપરી, વાગલે એસ્ટેટ, લોકમાન્યનગર, વર્તકનગર જેવા વિસ્તારમાં અનેક દુકાનદાર, હોટેલમાલિકો અને અન્ય સંસ્થાઓએ મરાઠી પાટિયાંનો વિકલ્પ સ્વીકાર્યો છે. જોકે ઘોડબંદર રોડ, પોખરણ રોડ-બીજો, હીરાનંદાની મેડોજ-એસ્ટેટ, વાળકૂમ, કોલશેત, ગ્લાયડી અલ્યારીસ રોડ, માજીવડા, માનપાડા વિસ્તારમાં આવેલી મોટી મોટી શોરૂમ, હોટેલ, રેસ્ટોરાં અને અન્ય સંસ્થાઓએ હજી સુધી અંગ્રેજી નામની સરખામણીમાં મરાઠી દેવનાગરી લિપિના ફોન્ટને નાના જ રાખ્યા છે.
સતત બીજા દિવસે ૧૬૧ દુકાનો સામે કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટના બોર્ડ મરાઠી દેવનાગરી લિપીમાં નહીં લખનારા સામે સતત બીજા દિવસે પણ કાર્યવાહી ચાલુ હતી. બીજા દિવસે ૧૬૧ ઠેકાણે પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
મુંબઈમાં પહેલાં જ દિવસે ૧૭૬ દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટ સામે મરાઠી દેવનાગરી લિપીમાં નામના બોર્ડ નહીં લખવા માટે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવ્યા બાદ બુધવાર બીજા દિવસે પણ મુંબઈના જુદા જુદા વિસ્તારમાં ઈન્સ્પેકશન બાદ કાર્યવાહી ચાલુ રહી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર મુંબઈ
મહાનગરપાલિકાની હદમાં આવતી દુકાનો અને એસ્ટાબ્લિશમેટના નામ મરાઠી દેવનાગરી લિપીમાં અને ચોખ્ખા મરાઠી શબ્દોમાં લખવું ફરજિયાત છે. મંગળવારથી પાલિકાના ૨૪ પ્રશાસકીય વોર્ડના શોપ ઍન્ડ ઍસ્ટાબ્લિશમેન્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની બનેલી ટીમ દ્વારા ઈન્સ્પેકશન ચાલુ કરવામાં આવ્યું હતું. બુધવારના દિવસ દરમિયાન ૨૪ વોર્ડમાં ૩,૫૭૫ દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટની મુલાકાત લીધી હતી અને મરાઠીમાં નામના બોર્ડ લખ્યા છે કે નહીં તેની તપાસ કરી હતી.
ઈન્સ્પેકશન દરમિયાન મરાઠી અક્ષરમાં ૩,૪૧૪ દુકાનોના નામ લખેલા જણાયા હતા. તો સુપ્રીમ કોર્ટના આદેશ તથા નિયમોનું પાલન નહીં કરનારી ૧૬૧ દુકાનો અને ઍસ્ટાબ્લિશમેન્ટ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
પાલિકા દ્વારા છેલ્લા બે દિવસમાં કુલ ૬,૮૪૪ દુકાનો અને ઍસ્ટાબ્લિશમેન્ટની મુલાકાત લીધી હતી, તેમાંથી ૬,૫૦૭ દુકાનો અને ઍસ્ટાબ્લિશમેન્ટના નામ મરાઠી દેવનાગરી લિપીમાં અને ચોખ્ખા શબ્દોમાં જણાયા હતા. આગામી દિવસમાં આ કાર્યવાહી ચાલુ જ રહેશે એવું પાલિકાએ જાહેર કર્યું હતું.
મુંબઈમાં તમામ દુકાનો અને ઍસ્ટાબ્લિશમેન્ટના નામ મરાઠી ભાષામાં દેવનાગરી લિપીમાં ચોખ્ખા અને મોટા અક્ષરોમાં લખવાનું ફરજિયાત છે. સુપ્રીમ કોર્ટે દુકાનો અને ઍસ્ટાબ્લિશમેટને નામના બોર્ડ મરાઠીમાં લખવા માટે બે મહિનાની મુદત આપી હતી, જે શુક્રવાર, ૨૮ નવેમ્બર,૨૦૨૩ના પૂરી થયા બાદ પાલિકાએ મંગળવાર, ૨૮ નવેમ્બર, ૨૦૨૩થી કાર્યવાહી ચાલુ કરી છે.