Viral Video: બોલો, Central Railwayના કર્મચારીનો અજબ ફતવો, ટિકિટ જોઈતી હોય તો….

મુંબઈઃ મધ્ય રેલવેના બુકિંગ ઓફિસના કર્મચારીએ એક પ્રવાસી સાથે મરાઠી ભાષાને લઈને દલીલ કરતા વિવાદ સર્જાયો હતો. પ્રવાસીએ ફરિયાદ કરી હતી કે કર્મચારીએ ઉદ્ધત ભાષામાં કહ્યું હતું કે તે મરાઠી નથી જાણતો, તેથી હિન્દીમાં વાત કરે. તેણે એમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી તે હિન્દીમાં નહીં બોલે ત્યાં સુધી તે ટિકિટ નહીં આપે ત્યાર બાદ આ બાબત સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. આ ઘટના નાહુર રેલ્વે સ્ટેશનની છે. મરાઠી એકીકરણ સમિતિએ આ મામલાની તપાસ કરી છે અને પેસેન્જરે આ અંગે મધ્ય રેલવેને લેખિત ફરિયાદ કરી છે.
આ પણ વાંચો: મોદી સરકારનો મોટો નિર્ણય: મરાઠી, બંગાળી સહિત 5 ભાષાને શાસ્ત્રીય ભાષા તરીકે આપી માન્યતા
અમોલ માને નામના પ્રવાસીએ આ બનાવ મુદ્દે ફરિયાદ પણ નોંધાવી હતી. બનાવ અંગે કહ્યું હતું કે પોતે લોકલ ટ્રેનની ટિકિટ ખરીદવા માટે નાહૂર સ્ટેશને પહોંચ્યો હતો. ટિકિટ વિન્ડો પર કર્મચારી સાથે મરાઠી ભાષામાં વાત કરી હતી. પરંતુ કર્મચારીએ તેને હિન્દીમાં વાત કરવાનું કહ્યું હતું. અમોલ માનેએ આગ્રહ કર્યો હતો કે તે માત્ર મરાઠીમાં જ વાત કરશે. આ પછી બંનેની વચ્ચે બોલાચાલી થઈ હતી. અમોલ માનેએ આ સમગ્ર વાતચીત પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધી હતી.
આ બનાવ રવિવારના સાંજે ૬:૫૦ વાગ્યાના સુમારે બન્યો હતો. અમોલે કહ્યું હતું કે સ્ટેશન પર ટિકિટ લેવા ગયો ત્યારે હું મરાઠીમાં વાત કરી રહ્યો હતો. પરંતુ ટિકિટ આપનાર મોટા અવાજમાં બોલ્યો, આપકો ટિકિટ લેના હૈ તો હિન્દીમે બોલો. મરાઠી-બિરાઠી ઇધર નહીં ચલેગી. જ્યારે તેનું નામ પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહેવાનો ઇનકાર કર્યો હતો. ઓળખપત્ર પણ છુપાવ્યું હતું. મારી મરાઠી ભાષાનું અપમાન કરવા બદલ તેની સામે કાર્યવાહી થવી જોઈએ. આ ઉપરાંત, પ્રવાસીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે હિન્દી આવડતી નહીં હોવાને કારણે ટિકિટ નકારી હતી. મારી સાથે ગેરવર્તન કરનાર કર્મચારીનું નામ સુખદે સિંહ છે, એમ પ્રવાસીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: એકનાથ શિંદેની ફિલ્મ પછી, હવે મરાઠી નાટક…
મરાઠી એકીકરણ સમિતિએ ફેસબુક પર આ ઘટનાનો વિડિઓ પોસ્ટ કર્યો હતો . આ પછી પેસેન્જરે મધ્ય રેલવેમાં લેખિત ફરિયાદ કરી કડક કાર્યવાહીની માંગ કરી છે. આ અગાઉ નાલાસોપારામાં પણ એક મરાઠી દંપતીને ટિકિટચેકરે અટકાવી હિન્દી બોલવાનો આગ્રહ રાખતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.