મુંબઇમાં મરાઠી લોકોને ઘરની ખરીદીમાં 50 % અનામત આપો એવી માંગણી સાથે મુખ્ય પ્રધાનને પત્ર
મુંબઇ: નોનવેજીટેરિયન મરાઠી લોકોને બિલ્ડીંગમાં ઘર આપવાની મનાઇ, બિલ્ડર દ્વારા મરાઠી માણસને રોકવાનો પ્રયાસ આ તમામ વાતોના પર્યાય તરીકે નવી બિલ્ડીંગમાં ઘરનું બુકીંગ શરુ થાય ત્યાર બાદ એક વર્ષ સુધી મરાઠી લોકો માટે 50% અનામત રાખવું જોઇએ. જો એક વર્ષ સુધી કોઇ મરાઠી માણસ આ ઘર ના ખરીદે તો ત્યાર બાદ બિલ્ડર તે બીજા કોઇને પણ વેચી શકે તેવો નિયમ હોવો જોઇએ.
જેથી જે મરાઠી લોકો આર્થિક રીતે સક્ષમ હશે તે લોકો માટે ઘર ખરીદવું શક્ય બનશે. આવી માંગણી પાર્લે પંચમ સામાજીક સંસ્થાએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પાસે કરી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં મુંબઇમાં જગ્યાના ભાવ આસમાને પહોંચ્યા છે. ઉપરાંત ઠેર ઠેર આલીશાન બહુમાળી ઇમારતો ઊભી થઇ રહી છે. ત્યારે કરોડોની કિંમતનું ઘર ખરીદવું સામાન્ય મરાઠી માણસ માટે શક્ય રહ્યું નથી.
અને જે મરાઠી માણસ આવા મોંઘા ઘર ખરીદવાની ક્ષમતા ધરાવે છે તેમને તેઓ નોનવેજીટેરિયન છે જેવા અનેક કારણો આપીને બિલ્ડર ઘર વેચવા તૈયાર થતાં નથી. મરાઠી માણસની આ દયનીય પરિસ્થિતી પર રાજ્ય સરકારે ધ્યાન આપવું જોઇએ. એમ પાર્લે પંચમ સંસ્થાના અધ્યક્ષ શ્રીધર ખાનોલકરે મુખ્ય પ્રધાનને લખવામાં આવેલ પત્રમાં જણાવ્યું છે. આ સંસ્થાએ મનસેના અધ્યક્ષ રાજ ઠાકરે, શિવસેનાના કાર્યાધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, ગૃહનિર્માણ પ્રધાન અતુલ સાવે, રાષ્ટ્રવાદી કોંગ્રસના અધ્યક્ષ શરદ પવાર, કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેને પણ આ પત્રની નકલ એક્સ પર આ તમામ લોકોને ટેગ કરીને પોસ્ટ કરી છે.
દરેક નવી બિલ્ડીંગમાં 20 ટકા ઘર નાના હોવા જોઇએ. તેમની કિંમત તથા મેન્ટેનન્સ પોસાય એવું હોવું જોઇએ. મોટી ઇમારતોમાં આવા નાના ઘરોનું એક વર્ષ માટે 100 ટકા અનામત મરાઠી માણસ માટે હોવું જોઇએ એવો ઉલ્લેખ પણ ખાનોલકરે પત્રમાં કર્યો છે.