મરાઠી પાટિયાં પ્રથમ દિવસે ૧૭૬ દુકાનો સામે કાર્યવાહી
દિવસ દરમિયાન ૩,૨૬૯ દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટની થઈ તપાસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં પહેલાં જ દિવસે ૧૭૬ દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટ સામે મરાઠી દેવનાગરી લિપીમાં નામના બોર્ડ નહીં લખવા માટે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. દિવસ દરમિયાન પાલિકાએ મુંબઈમાં ૩,૨૬૯ દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટના નામના બોર્ડની તપાસ કરી હતી, જેમાંથી ૩,૦૯૩ દુકાનોના નામ મરાઠી દેવનાગરી લિપીમાં લખેલા જણાયા હતા.
સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર મુંબઈ મહાનગરપાલિકાની હદમાં આવતી દુકાનો અને એસ્ટાબ્લિશમેટના નામ મરાઠી દેવનાગરી લિપીમાં અને ચોખ્ખા મરાઠી શબ્દોમાં લખવું ફરજિયાત છે. આ નિર્દેશનું અમલ કરવામાં આવી રહ્યું છે કે નહીં તેની તપાસ કરવાનું કામ પાલિકાના ૨૪ પ્રશાસકીય વોર્ડના શોપ ઍન્ડ ઍસ્ટાબ્લિશમેન્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની બનેલી ટીમ દ્વારા મંગળવારથી ચાલુ કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન ૨૪ વોર્ડમાં મરાઠી અક્ષરમાં ૩,૦૯૩ દુકાનોના નામ લખેલા જણાયા હતા. તો સુપ્રીમ કોર્ટના આદેશ તથા નિયમોનું પાલન ૧૭૬ દુકાનો અને ઍસ્ટાબ્લિશમેન્ટ દ્વારા કરવામાં આવ્યું ન હોવાથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
મુંબઈમાં તમામ દુકાનો અને ઍસ્ટાબ્લિશમેન્ટના નામ મરાઠી ભાષામાં દેવનાગરી લિપીમાં ચોખ્ખા અને મોટા અક્ષરોમાં લખવાનું ફરજિયાત છે. સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરનારા સામે પગલાં લેવાનો આદેશ પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે આપ્યો હતો. તે મુજબ ૨૪ વોર્ડમાં ટીમ બનાવવામાં આવી છે અને તેમને તમામ પ્રકારની કાર્યવાહી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર શોપ ઍન્ડ ઍસ્ટાબ્લિશમેન્ટ નિયમ, ૨૦૧૮ અને મહારાષ્ટ્ર શોપ ઍન્ડ ઍસ્ટાબ્લિશમેન્ટ સુધારિત નિયમ, ૨૦૨૨ અનુક્રમે નિયમ ૩૫ અને કલમ ૩૬ સીની જોગવાઈ મુજબ ઍસ્ટાબ્લિશમેન્ટના નામના બોર્ડ મરાઠી દેવનાગરી લિપીમાં ચોખ્ખા અક્ષરો લખવું ફરજિયાત છે. સુપ્રીમ કોર્ટે દુકાનો અને ઍસ્ટાબ્લિશમેટને નામના બોર્ડ મરાઠીમાં લકવા માટે બે મહિનાની મુદત આપી છે. શુક્રવાર, ૨૮ નવેમ્બર,૨૦૨૩ના આ મુદત પૂરી થઈ હતી. આ દરમિયાન સાપ્તાહિક રજા અને સાર્વજનિક રજા આવવાથી નામના બોર્ડની તપાસ અને કાર્યવાહી મંગળવાર, ૨૮ નવેમ્બર, ૨૦૨૩થી ચાલુ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટના નિર્દેશ અને કાયદામાં રહેલી જોગવાઈનો ભંગ કરનારાને સૌથી પહેલા ઈન્સ્પેકશન રિપોર્ટ સોપવામાં આવશે. તેમ જ કોર્ટ તરફથી દોષી દુકાનો અથવા ઍસ્ટાબ્લિશમેન્ટ સામે પ્રતિ વ્યક્તિ બે હજાર રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે.
નિયમનો સતત ભંગ કરતા હોવાનું જણાઈ આવ્યું તો પ્રતિદિન બે હજાર રૂપિયા પ્રમાણે દોષી દુકાનદાર અને ઍસ્ટાબ્લિશમેન્ટને આર્થિક દંડ થશે એવી સ્પષ્ટતા પણ પાલિકાએ કરી હતી.