મરાઠા અનામત મનોજ જરાંગેએ ઉપવાસ પાછા ખેંચ્યા: બીજી જાન્યુઆરી સુધીની આપી ડેડલાઈન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મરાઠા સમાજને અનામત આપવાનો મુદ્દો અત્યારે આખા દેશમાં ગાજી રહ્યો છે અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સર્વપક્ષી બેઠક બોલાવીને ઉપવાસ પાછા ખેંચવાની અપીલ પણ કરી હતી, પરંતુ તેણે બુધવારે કોઈપણ સંજોગોમાં ઉપવાસ છોડવાનો ધરાર નનૈયો ભણ્યો હતો. આખરે ગુરુવારે તેણે નવ દિવસના પોતાના ઉપવાસ ફળનો રસ પ્રાશન કરીને છોડ્યા હતા. જોકે તેમણે સરકારને બીજી જાન્યુઆરી સુધી એટલે કે બે મહિનાનો સમય આપ્યો છે અને આ મુદતમાં આરક્ષણ નહીં આપવામાં આવે તો ફરી એક વખત આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
ગુરુવારે મહારાષ્ટ્ર સરકારનું એક પ્રતિનિધિમંડળ જરાંગે-પાટીલને મળવા ગયું હતું. તેમણે સમજાવ્યું હતું કે ઉતાવળે આરક્ષણ આપવામાં ગયા વખતની જેમ સુપ્રીમ કોર્ટમાં આરક્ષણ રદ થઈ શકે છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે ઈમ્પેરિકલ ડેટા નવેસરથી તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ બધી બાબતોને ધ્યાનમાં લેતાં સરકારને સમય આપવાની આવશ્યકતા વ્યક્ત કરી હતી.
બીજી તરફ જરાંગે-પાટીલે કહ્યું હતું કે રાજ્યના બધા જ મરાઠાઓને આરક્ષણ નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. સાંકળી ઉપવાસ ચાલુ રહેશે. ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ એમ. જે. ગાયકવાડે તેમને સમજાવ્યા હતા અને કાયદાકીય બાબતોની માહિતી આપી હતી. ત્યાર બાદ સરકાર વતી હાજર પ્રધાનો ઉદય સામંત, ધનંજય મુંડે વગેરેએ આપેલા આશ્ર્વાસનને પગલે તેમણે પોતાના ઉપવાસ છોડવાની જાહેરાત કરી હતી.
સમિતિએ મહારાષ્ટ્રમાં કામ કરીને મહારાષ્ટ્રના મરાઠા સમાજના લોકોને કુણબીનું પ્રમાણપત્ર આપવા માટે કામ કરવું એવું નક્કી થયું હતું તે તેમણે માન્ય રાખ્યું હતું.
તેમણે કહ્યું હતું કે અધુરું આરક્ષણ આપીને અમારો એક ભાઈ નારાજ થાય એવું કશું કરવું નહોતું. જો સરકાર દગો કરશે તો તેમને સાણસામાં લેવામાં આવશે. ચલો મુંબઈની ઘોષણા કરીને મુંબઈ બંધ કરીન નાખીશું એવી ચિમકી તેમણે ઉચ્ચારી હતી. આર્થિક સામાજિક, ઔદ્યોગિક, વ્યાવસાયિક સરકારની બધી જ ધોરી નસો બંધ કરી નાખવામાં આવશે એવી ચેતવણી તેમણે આપી હતી.
ફડણવીસની અમિત શાહ સાથે મુલાકાત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મરાઠા સમાજને અનામત આપવાના મુદ્દે રાજ્યનું વાતાવરણ અત્યારે ગરમ છે ત્યારે આ બધાની વચ્ચે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે ગુરુવારે ફરી એક વખત દિલ્હી પહોંચ્યા હતા. બંને નેતાઓએ ગૃહપ્રધાન અમિત શાહની મુલાકાત લઈને તેમની સાથે આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી હતી.
ફડણવીસ અને બાવનકુળેએ દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર આવેલા ભાજપના મુખ્યાલયમાં અમિત શાહની સાથે લાંબી ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ આ ચર્ચાની વિગતો હાથ લાગી શકી નહોતી. અત્યારે મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને મુદ્દે વાતાવરણ તંગ છે અને ભવિષ્યમાં આ સ્થિતિ કથળી શકે એવી શક્યાત હોવાથી આ મુદ્દે કોઈ રસ્તો કાઢવા માટે કેન્દ્ર સ્તરે કોઈ પ્રયાસ કરવાની વાત હોઈ શકે એવું સૂત્રોનું માનવું છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ગૃહપ્રધાન અમિત શાહે ઓબીસીના મુદ્દે ચર્ચા કરવા માટે પક્ષના નેતાઓની મહત્ત્વની બેઠક ગુરુવારે મુખ્યાલયમાં જ આયોજિત કરી હતી અને આ બેઠકમાં પણ ફડણવીસ અને બાવનકુળે હાજર હતા. આ બધાની વચ્ચે હવે મરાઠા સમાજને અનામત આપવાના મુદ્દે કેવો ઉકેલ કાઢવામાં આવે છે તે જોવાનું રહેશે.
ઉત્તર પ્રદેશ બાદ સૌથી વધુ લોકસભાની બેઠકો ધરાવતા મહારાષ્ટ્રમાં ભાજપે ૪૫ બેઠકો જીતવાનું લક્ષ્યાંક રાખ્યું છે અને મરાઠા આંદોલનને કારણે આ લક્ષ્યાંક સાધ્ય કરવામાં અવરોધ ઊભો થઈ શકે છે. બે મહિના પહેલાં ભાજપને ૪૫ બેઠકો જીતવાનો વિશ્ર્વાસ લાગતો હતો, પરંતુ મરાઠા આંદોલનને કારણે અત્યારે સ્થિતિ ગંભીર હોવાનું જણાઈ રહ્યું છે.