મરાઠા અનામતઃ થાણેવાસીઓ જાણી લો આ મોટી જાહેરાત

મુંબઈઃ મરાઠા આરક્ષણની માંગણી કરી રહેલા આંદોલનકારીઓ કરેલા લાઠીચાર્જની નિંદા કરવા સકલ મરાઠા મોરચા દ્વારા 11 સપ્ટેમ્બરે થાણે શહેરમાં બંધની હાકલ કરવામાં આવી છે. સંભાજી બ્રિગેડનો ટેકો ધરાવતા મોરચા દ્વારા કરવામાં આવેલી બંધની હાકલને વિરોધ પક્ષના સ્થાનિક નેતાઓએ સમર્થન આપવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ગઈકાલે અહીં વિરોધ પક્ષો દ્વારા આયોજિત કરવામાં આવેલી બેઠકમાં સ્થાનિક નેતાઓએ બંધને ટેકો જાહેર કર્યો હતો અને થાણા શહેરના નાગરિકોને એમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી હતી.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (શરદ પવાર જૂથ)ના શહેર એકમના પ્રમુખ સુહાસ દેસાઈ, શિવસેના (યુબીટી)ના પ્રમુખ પ્રદીપ શિંદે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતાગણ રવિન્દ્ર મોરે, અવિનાશ જાધવ તેમજ મરાઠા ક્રાંતિ મોરચાના શહેર એકમના શહેર અધ્યક્ષ રમેશ આમ્બ્રે અને કોંગ્રેસ શહેર પ્રમુખ વિક્રાંત ચવાણ બેઠકમાં હાજર રહ્યા હતા.
મરાઠા આંદોલનને લઈ જાલના જિલ્લાના અંતરવાલી સરાટી ગામમાં હિંસક આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનને કારણે ડઝનેક પોલીસ કર્મચારી સહિત અનેક લોકો જખમી થયા હતા. ત્યારબાદ પોલીસ પ્રશાસન દ્વારા ભીડ પર કાબૂ મેળવવા માટે લાઠીચાર્જ અને ટિયર ગેસ છોડવામાં આવ્યા હતા. રાજ્યના વિરોધ પક્ષો કોંગ્રેસ, એનસીપી અને શિવસેના (યુબીટી) દ્વારા પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જની આકરી ટીકા કરવામાં આવી હતી.